Site icon Revoi.in

રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉં, ચણાં, મેથી ધાણા સહિત પાકની ધૂમ આવક, વાહનોની લાગતી લાઈનો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં ઘઉં, ચણા સહિતની અનેકવિધ કૃષિ જણસીઓના ખડકલા થયા છે. શનિવારે પણ ચણા અને ઘઉંમાં રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. જ્યારે કપાસ-મગફળી તેમજ મેથી-ધાણાના ઢગલા થયા હતા. કૃષિ પાક ભરેલા સેંકડો વાહનોની સાત કિલોમીટર લાંબી લાઇનો જોવા મળી હતી. જેને લઈને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તંત્રએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

રાજકોટ યાર્ડમાં શનિવારે પણ અડધો ડઝન જેટલી કૃષિ જણસીઓની રેકોર્ડબ્રેક આવક થઇ હતી. કૃષિ જણસીઓની સાથે ખેડૂતો ઉમટી પડતા માલ સાથેના વાહનોની 7 કિ.મી. કરતા વધુ લાંબી લાઇનો જોવા મળી હતી. જોકે, યાર્ડના સત્તાધિશોએ કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્ટેપ બાય સ્ટેપ વાહનોને એન્ટ્રી આપી હતી. યાર્ડના સૂત્રોના કહેવા મુજબ એક જ દિવસમાં ચણામાં 15000 ક્વીંટલ (80,000 મણ)ની રેકોર્ડ બ્રેક આવક થઇ હતી. ભાવ ચણા પીળાના રૂ.1000થી રૂ. 1134 તથા સફેદ ચણાના રૂ.1456 થી રૂ. 2250ના ભાવ હતા. આ સિવાય ધાણાની પણ 8500 ક્વીંટલ (45000 મણ)ની આવક હતી. જેમાં ભાવ રૂ. 1350થી 2100 હતા. જ્યારે ધાણીના ભાવ રૂ. 1550 થી રૂ. 2750 બોલાયા હતા. ઉપરાંત ઘઉંમાં પણ ચિક્કાર આવક હતી. અને સિઝનમાં સૌપ્રથમવાર 10000 ગુણીની આવક થઇ હતી. જેમાં ભાવ લોકવનના રૂ. 479થી રૂ. 530 તથા ટુકડાના રૂ. 501થી રૂ. 595 હતા. કપાસમાં 15000 મણની આવકે ભાવ રૂ. 1475થી રૂ. 1640 તથા મગફળીમાં 12000 મણની આવકે ભાવ રૂ. 1050થી રૂ.1300 બોલાયા હતા તો લસણ, જુવાર, મેથીની પણ સારી આવક નોંધાઈ હતી. જોકે, જીરૂમાં માલ પડતર હોવાથી આવક બંધ રાખવામાં આવી હતી.