સુરેન્દ્રનગરઃ જિલ્લાની મોટાભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે. અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. જેમાં સુરેન્દ્રનગર, થાનગઢ, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી નગરપાલિકાઓનાં વોટરવર્કસ અને સ્ટ્રીટલાઈટ વીજ કનેક્શનોને લગતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.નાં રૂા. 114 કરોડ 30 લાખ બાકી બિલ પેટે લેણા નીકળે છે. પોતાનાં પાણીવેરા, હાઉસટેક્ષ, જેવા વિવિધ કરવેરા માટે કડક ઉઘરાણી કરતી નગરપાલિકાઓ ખુદ પોતાને ચુકવવાનાં થતા વીજકનેક્શનોનાં બાકી બિલ ચુકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓને પીજીવીસીએલ દ્વારા વોટરવર્કસ, સ્ટ્રીટલાઈટોનાં વીજકનેક્શનો આપવામાં છે. નગરપાલિકા તેમાંથી વીજ વપરાશ કરે છે અને પાણી કર સહિતનાં ટેક્ષ શહેરીજનો પાસેથી વસુલે છે. પરંતુ નગરપાલિકા પોતે વીજકંપનીને વીજબિલ ચુકવવામાં લાપરવાહી દાખવી દાખવી રહી છે. પરિણામે જિલ્લાની છ નગરપાલિકાનાં રૂા. 114 કરોડ 30 લાખ ચડી ગયા છે. સુરેન્દ્રનગર નગરપાલિકાનાં વોર્ટરવર્કસનાં રૂા.31 કરોડ અને સ્ટ્રીટલાઈટનાં 27 કરોડ 22 લાખમળી કુલ રૂા. 58 કરોડ15 લાખ બાકી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત થાનગઢ નગરપાલિકાનાં વોટરવર્કસનાં 7 કરોડ અને સ્ટ્રીટલાઈટનાં 1 કરોડ 73 લાખ મળી કુલ રૂા. 8 કરોડ 68 લાખ, તેમજ ચોટીલા નગરપાલિકાનાં વોટરવર્કસનાં 11 કરોડ 51લાખ અને સ્ટ્રીટલાઈટનાં 1 કરોડ 26 લાખ રૂા. મળી કુલ રૂા. 12 કરોડ 77 લાખ, અને લીંબડી નગરપાલિકાનાં વોટર વોટરવર્કસ નાં રૂા.3 કરોડ 71 લાખઅને સ્ટ્રીટલાઈટનાં 1 કરોડ 45 લાખમળી 5 કરોડ 17 લાખ, તથા ધ્રાંગધ્રા નગરપાલિકાનાં વોટરવર્કરનાં રૂા.22 કરોડ 9 લાખઅને પાટડી નગરપાલીકાનાં 7 કરોડ 43 લાખ રૂા. વોટરંવર્કસના બાકી નીકળે છે.
પીજીવીસીએલ વીજકંપની દ્વારા આ બાકી લેણા ભરવા માટે 24 કલાકની નોટીસ આપવામાં આવે છે. અને જેતે નગરપાલિકા વીજબિલ ભરવામાં ચોક્સાઈ ન રાખે તો વીજકનેક્શન કટ કરવામાં આવે છે. અને વીજબિલ ભરાઈ એટલે તુરંત પુન: વીજજોડાણ કરાય છે. જોકે, આ કાર્યવાહીમાં પ્રજાહિતના કામ રોકી ન શકાય તેવો સરકારી સરક્યુલર હોવાથી ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે.