રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 135 ધારાસભ્યો અને 17 સાંસદોનું ક્રોસ વોટિંગ, વિપક્ષમાં બેઠકનો દોર શરૂ
નવી દિલ્હીઃ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે પ્રથમવાર આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મૂ ચૂંટાયાં છે. તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 99 ટકા જેટલું મતદાન થયું હતું. જેની ગઈકાલે ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં દ્રૌપદી મૂર્મૂ હરિફ યશવંત સિંહાથી જંગી મતથી જીત્યાં હતા. મતગમતરી દરમિયાન અનેક રાજ્યોમાં ક્રોસ વોટિંગની ઘટના સામે આવી છે. ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ,આસામ, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ક્રોસ વોટિંગ થયું હતું. ચૂંટણીમાં સમગ્ર દેશમાં લગભગ 125 ધારાસભ્યો અને 17 જેટલા સાંસદોએ ક્રોસ વોટિંગ થયાનો ભાજપાએ દાવો કર્યો હતો. અનેક રાજ્યોમાં ક્રોસ વોટિંગની ઘટનાને પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષની ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ બેઠકનો દોર શરૂ થયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુએ 64 ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચ્યો છે. રિટર્નિંગ ઓફિસર પી.સી. મોદીએ સાંસદો અને ધારાસભ્યોના કુલ 6.77 લાખ મતો સાથે મુર્મુને વિજેતા જાહેર કર્યા હતા. યશવંત સિંહાને 3.80 લાખ મત મળ્યા હતા. મુર્મુ હવે ૨૫મી જુલાઈએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઉત્તરાધિકારી તરીકે 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે.
ગુજરાતમાં 2 બીટીપી અને 1 એનસીપી સહિત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પાર્ટી લાઈન ઓળંગીને દ્રૌપદી મુર્મુને મત આપતાં કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, આસામ, બિહાર, ગોવા, ઝારખંડ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ ક્રોસ વોટિંગ થયું હતું. સમગ્ર દેશમાં 125 ધારાસભ્યોએ અને 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કરીને મૂર્મૂને સમર્થન આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપનો દાવો છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનું પણ ક્રોસ વોટિંગ હતું. બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું કે TMCના બે સાંસદો અને એક ધારાસભ્યએ દ્રૌપદી મુર્મુને મત આપ્યો. એટલું જ નહીં ટીએમસીના બે સાંસદો અને ચાર ધારાસભ્યોના વોટ પણ રદ કરવામાં આવ્યા છે. બીજી તરફ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતી સહિતના રાજકીય પક્ષોએ મૂર્મૂને સમર્થન જાહેર કર્યું હતું.