ભવ્ય રાવલ (લેખક–પત્રકાર)
ક્રોસવર્ડ પઝલ : ક્રોસવર્ડ પઝલ કે આડી ચાવી ઉભી ચાવીની શરૂઆત 20મી સદીમાં થઈ. 21 ડિસેમ્બર, 1913માં ઇંગ્લેન્ડના લિવરપૂલના એક પત્રકાર આર્થર વૈનને મોર્ડન ક્રોસવર્ડ પઝલના સંશોધક માનવામાં આવે છે. પસલ મૂળ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈને ગૂંચવણમાં મૂકવું. આ શબ્દ અપભ્રંશ થઈને 19મી સદીમાં પઝલ તરીકે ઓળખાયો. જેનું નામ પાછળથી ક્રોસવર્ડ કરી નાખવામાં આવ્યું. એ સમયે પઝલ વર્ડક્રોસના નામે છપાતી. ટાઈપ સેટરે ઉતાવળમાં વર્ડક્રોસના સ્થાને ક્રોસવર્ડ નામ આપી દીધું. અને આમ તેનું નામ ક્રોસવર્ડ પડી ગયું. આ પહેલી એવી પઝલ હતી કે જે આજની મોડર્ન ક્રોસવર્ડ પઝલને સૌથી વધુ મળતી આવે છે અને ન્યૂયોર્ક વર્લ્ડ એવું પહેલું અખબાર હતું જેણે સૌથી પહેલા ક્રોસવર્ડ પઝલ્સને ડેઈલી છાપવાની શરૂઆત કરી હતી. 21 ડિસેમ્બર, 1913ના સન્ડે ન્યૂયોર્ક વર્લ્ડ અખબારમાં વિશ્વનું સૌપ્રથમ ક્રોસવર્ડ પ્રકાશિત થયું હતું. 21 ડિસેમ્બરનો દિવસ નેશનલ ક્રોસવર્ડ પઝલ ડે તરીકે ઉજવવામાં આવે છે.
આડી ચાવી અને ઉભી ચાવી શબ્દ અને આંકડાની રમત છે. આડી ચાવી અને ઉભી ચાવીમાં શબ્દોની રમત ક્રોસવર્ડ કહેવાય છે, આંકડાની રમત સુડોકુ કહેવાય છે. આડી ચાવી અને ઉભી ચાવીએ એક સમયે અખબારો અને સામયિકોના વાંચકોમાં વધારો કર્યો હતો. જ્યારે રજાના દિવસોમાં પણ અખબારોને હાથ અડાડવા વાંચકો તૈયાર નહતા ત્યારે આડી ચાવી અને ઉભી ચાવીએ કામના દિવસો પણ વાંચકોને કલાકો સુધી અખબારો હાથમાં લઈ બેસવા આકર્ષ્યા હતા. અમેરિકી પત્રકારત્વએ ક્રોસવર્ડ અને સુડોકુને પ્રખ્યાત બનાવી. અમેરિકી અખબારો અને સામયિકોમાં આ બંને રમતો છપાતી ગઈ, વિશ્વભરમાં લોકપ્રિય બનતી ગઈ. ત્યારબાદ અન્ય ભાષાના અખબારો અને સામયિકોએ પણ ક્રોસવર્ડ અને સુડોકુ છાપવાનું શરૂ કર્યું. ગુજરાતી પત્રકારત્વમાં સવારના દૈનિક અખબારો, સાપ્તાહિકો, માસિકો કે ત્રીમાસિકોમાં પણ ક્રોસવર્ડ અને સુડોકુ છાપવાની શરૂઆત 20મી સદીમાં થઈ ચૂકી હતી. આજે 21મી સદીમાં ગુજરાતી પ્રિન્ટ મીડિયામાં ક્રોસવર્ડ અને સુકોડુ જેવી રમતો દ્વારા વાંચકોને આકર્ષવા કે જ્ઞાન સાથે ગમ્મત પૂર્રું પાડવાના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા નથી. હવે પ્રિન્ટ મીડિયામાં ક્રોસવર્ડ અને સુડોકુ ભાગ્યેજ જોવા મળે છે. સાંધ્ય અખબારોમાં તો તેનું કોઈ સ્થાન જ રહ્યું નથી.
કોઈપણ માધ્યમનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન એટલે કે શિક્ષણ સાથે માહિતી અને મનોરંજન પૂરું પાડવાનો હોવો જોઈએ. Education, Information and Entertainment આ ત્રણ મુખ્ય ઉદ્દેશ સાથે માધ્યમોએ કાર્ય કરવું જોઈએ. પત્રકારત્વના સિદ્ધાંતોમાં આ ત્રણ ઉદ્દેશ સાથે કાર્ય કરવા જણાવવામાં આવ્યું છે. પત્રકારત્વમાં સમાચારો, અગ્રલેખો, કટારલેખો વગેરે સાથે કેટલીક અન્ય સામગ્રી દ્વારા પણ આ ઉદ્દેશ સિદ્ધ કરવામાં આવે છે. જેમાં ક્રોસવર્ડ પઝલ અને સુડોકુ જેવી રમતોનો સમાવેશ થાય છે. આ રમતો જ્ઞાન વૃદ્ધિ સાથે મનોરંજન અને શિક્ષણના હેતુને પણ પાર પાડે છે. આજે જ્યારે મીડિયામાં ઓન્લી એન્ટરટેઈનમેન્ટ, એન્ટરટેઈનમેન્ટ એન્ડ એન્ટરટેઈનમેન્ટની બોલબાલા છે ત્યારે એન્ટરટેઈનમેન્ટ સાથે એજ્યુકેશન અને ઈન્ફોર્મેશનમાં વધારો કરનારી સામગ્રીઓનો પ્રચાર-પ્રસાર પણ અત્યંત જરૂરી બની ગયો છે. ખાસ કરીને ગુજરાતી પત્રકારત્વનાં ઘટતા જતા વાંચક વર્ગને ફરીથી વધારવા-આકર્ષવા જ્ઞાન સાથે મનોરંજન પીરસતી સામગ્રીઓ પ્રસિદ્ધ કરવાની તાતી આવશ્યકતા ઉભી થઈ છે. ઉહ. આડી ચાવી અને ઉભી ચાવી.
વધારો : ગુજરાતી પત્રકારત્વમાં જ્ઞાન સાથે ગમ્મત આપતી રમત એકલી ક્રોસવર્ડ અને સુડોકુ નથી. બાળકો અને યુવાનો માટેની વિશિષ્ટ પૂર્તિઓ તથા બાળસામયિકોમાં કોર્સવર્ડ અને સુડોકુ સિવાયની અન્ય રમતો પણ છપાય છે. જેમ કે, બે એકસરખા લાગતા ચિત્રોમાંથી તફાવત શોધવાની, ખાલી ચિત્રોમાં રંગ પૂરવાની. આંકડાઓ જોડી આકૃતિ બનાવવાની, ભૂલભૂલામણીમાંથી રસ્તો કાઢવાની, ઉખાણાઓ, કોયડાઓ ઉકેલવાની વગેરે. ગુજરાતી પત્રકારત્વના અખબારો અને સામયિકોએ અવનવી રમતો દ્વારા પોતાના વાંચક વર્ગને માહિતી સાથે મનોરજન પીરસ્યું છે.
પરિચય : ભવ્ય રાવલ
ભવ્ય રાવલ ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલા છે. મેઈન સ્ટ્રીમ પત્રકારત્વ સાથે જોડાયેલા ન હોવા છતાં દરરોજ હજારો વાંચકો ભવ્ય રાવલના લખાણ વાંચે છે એ પણ ઓનલાઈન!
યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાંક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે. ભવ્ય રાવલે બે નવલકથાઓ ‘…અને’ ઑફ ધી રેકર્ડ અને ‘અન્યમનસ્કતા’ તથા ‘વૈજ્ઞાનિક સિદ્ધાંતો’ એમ કુલ ત્રણ પુસ્તકો લખ્યા છે.
એક પત્રકાર તરીકે ભવ્ય રાવલે અનેક લોકોના ઈન્ટરવ્યૂ લીધેલાં છે તેમજ પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પર સંશોધન કરેલું છે. તેઓએ સૌરાષ્ટ્રની યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વમાં એમ.ફિલ (માસ્ટર ઈન ફિલસૂફી) અભ્યાસક્રમ કર્યો છે.
Email : ravalbhavya7@gmail.com
(Photo - Social Media)