સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ શહેરના આંજણા ફાર્મ સ્થિત રઘુકુળ માર્કેટ પાસેના મખદુમનગર ખાતે કાટમાળ, ફર્નિચર અને લારી-ગલ્લાનું દબાણ દૂર કરવા પહોંચતા જ ટીમને ટોળાંએ ઘેરી લીધી હતી. માલ-સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં જ ટોળામાંથી કોઇએ પથ્થરમારો કરતાં માહોલ તંગ બન્યો હતો. ઘર્ષણને પગલે સલાબતપુરા પોલીસ સ્થળ પર દોડી આવી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં મ્યુનિના બે બેલદાર ઇજાગ્રસ્ત થયાં હતાં. પોલીસે હંગામો કરનાર લોકોની ઓળખ કરવા તપાસ શરૂ કરી હતી.
સૂત્રોએ જણાવ્યુ હતું કે, સુરત મ્યુનિ.કોર્પોરેશનની એક ટીમ શહેરના રઘુકુળ માર્કેટ નજીકના મખદુમનગર ખાતે રસ્તો ક્લિયર કરવા પહોંચી હતી. એસઆરપી તેમજ માર્શલ જવાનોની સુરક્ષા વચ્ચે સ્ટાફ રોડ કિનારે મુકેલા ટેબલ-ખુરશી સહિતનો કાટમાળને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. કાર્યવાહી જોતા જ સ્થળ પર ટોળું એકત્રિત થઇ ગયું હતું. કેટલાક સ્થાનિકોએ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાં જ નજીકના રેલવે પરીસરમાંથી તોડી પડાયેલી ઝુપડપટ્ટીના રહીશોનો આ માલ-સામાન છે, બીજી વ્યવસ્થા થતાં સામાન હટાવી લેવાશે. પરંતુ મ્યુનિના કર્મચારીઓએ દબાણ દૂર કરવાની ફરિયાદ હોવાથી માલ-સામાન ઉપાડવાનું ચાલુ રાખતાં ટોળાએ કર્મીઓને ઘક્કે ચઢાવ્યાં હતાં. જોત-જોતામાં જ કોઇએ પથ્થરો ફેંકતા માહોલ તંગ બન્યો હતો.
આ બનાવની જાણ પોલીસને કરાતા સલાબતપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનામાં મ્યુનિના બેલદાર હાર્દિક મુકેશભાઇ પટેલ અને પ્રકાશ સુખાભાઇ રાઠોડ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે નજીકના ભાઠેના હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા હતાં. આ ઘટનામાં એક કર્મચારીનું માથું ફૂ્ટયું ગયું હતું જ્યારે 2 કર્મચારીને ઈજા પહોંચી હતી. સ્થિતિ વણસે તે પહેલાં જ સલાબતપુરા પોલીસને બોલાવી લેવાઇ હતી. મ્યુનિના કર્મીઓએ ટોળા પૈકીના 4 સામે ધક્કા-મુક્કી કરી હંગામો કર્યો હોવાનો આરોપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. (file photo)