અમદાવાદઃ રાજ્યમાં નવલી નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે. યાત્રાધામ અંબાજી,પાવાગઢ અને ચામુંડા માતાજીના મંદિરમાં સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. જ્યારે અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે પણ ભક્તોની ભીડ જામી હતી. નોરતાના આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા.
અમદાવાદ શહેરના નગરદેવી એવા ભદ્રકાળી માતાજીના મંદિરમાં આજે સવારથી ભાવિકો દર્શન માટે ઉમટ્યા હતા. નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન અને પૂજા-અર્ચનાનું વિશેષ મહાત્મય છે. ઘણા બધા ભાવિકો બોપલ,ધૂમા, ઓઢવ, હાથીજણ વગેરે દુર દુરથી પણ માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત શહેરના અન્ય મંદિરોમાં પણ સામાન્ય દિવસ કરતા આજે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.
શહેરમાં નવરાત્રીને લઇને શહેર પોલીસ સજ્જ થઈ ગઈ છે..કોરોનાની સ્થિતિ જોતાં જાહેર સ્થળોએ ગરબાની પરવાનગી નથી. પરંતુ સોસાયટીમાં ગરબે ઘૂમવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પણ પોલીસની બાજનજર રહેશે. શહેર પોલીસ હોટલ તેમજ બજારોમાં પણ ખાનગી વોચ રાખશે. શી ટીમ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં સોસાયટીના રહીશોને નવરાત્રીની અને કોવિડની ગાઈડ લાઇન સમજવાઈ રહી છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે તેવું સમજવાઈ રહ્યું છે.