Site icon Revoi.in

પડધરીના મોવિયા ગામે વીજચોરીના ચેકિંગ માટે ગયેલી ટીમ પર ભાજપના નેતા સહિત ટોળાંનો હુમલો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજળીની ચોરી બેરોકટોક થતી હોય છે.  કેટલાક ગામડાંઓ તો એવા છે. કે જ્યાં વીજ ચેકિંગ માટે જતાં વીજ કંપનીના અધિકારીઓ ડરતા હોય છે. કેટલાક ગામડાંઓ તો એવા પણ છે કે, વીજ કંપનીનો સ્ટાફ ચેકિંગ માટે આવે તે પહેલા ખબર પડી જાય છે. અને થાંભલા પર લગાવેલા લંગરિયાઓ હટાવી દેવામાં આવે છે. વીજ કંપનીઓએ થાંભલાઓ પરના વાયર પર પ્લાસ્ટિકના કોટેડ લગાવ્યા હોવા છતાં વીજ ચોરીમાં કોઈ ઘટાડો થયો નથી. દરમિયાન રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયા ગામે PGVCLના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. હાલ એન્જિનિયરને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જૂનાગઢ IC સ્ક્વોડના ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પરમારે જણાવ્યું હતું કે ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ વીજ ચેકિંગ કરતા PGVCLના ડેપ્યુટી ઇજનેર પર 40 લોકો સાથે હુમલો કર્યો છે અને ઈજનેરને તમાચાઓ મારતાં તેમને બહેરાશ આવી ગઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવિયા ગામે બેરોકટોક વીજળીની ચોરી થતી હોવાની જાણ થતાં PGVCLના અધિકારી સહિત સ્ટાફ દોડી ગયો હતો. અને વીજ ચેકિંગ હાથ ધરતા ભાજપના આગેવાન ધીરૂભાઈ તળપદા સહિત ગ્રામજનો વિફર્યા હતા. અને વીજ ચેકિંગ ટીમ પર હુમલો કર્યો હતો. વીજ ચેકિંગ સ્વોર્ડ દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારેભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ જણાવ્યું હતું કે મારા પર લાગેલા આક્ષેપો તદ્દન ખોટા છે. હું મારા ઘરે સૂતો હતો. એ વખતે મારાં ધર્મપત્નીએ જણાવ્યું કે ચોકમાં કંઈક બબાલ થઈ રહી છે. એ બબાલને હું રોકવા માટે ગયો હતો અને મેં ટોળાંએ હટાવવા માટે પ્રયત્નો કર્યા હતા. એ સમયે કોઇને પણ ઇજા પહોંચી નથી. આ આખી વાત ઊપજાવી કાઢેલી છે. GEBના અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. એને કારણે મહિલાઓએ બબાલ કરી હતી.

ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પરમારે જણાવ્યું હતું કે PGVCL દ્વારા હાલ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે સવારે 08:00 વાગ્યાના સુમારે રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયા ગામમાં અમારા ડેપ્યુટી એન્જિનિયર પુરોહિત ટીમ સાથે વીજ ચેકિંગમાં હતા. જ્યાં ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાના ઘર અને પેવર પ્લાન્ટમાં ગેરકાયદે વીજચોરી પકડાઇ હતી, એ સમયે ભાજપના આગેવાન ધીરુભાઈ ત્યાં આવી ગયા હતા. અને અમારી ટીમને ચેકિંગ કરતા અટકાવ્યા હતા. પ્રથમ તો એન્જિનિયર પુરોહિતને ધીરુભાઈએ તમાચા માર્યા હતા અને તેમણે 40-50 માણસનું ટોળું એકઠું કરી લીધું હતું, જેમાં 8-10 લોકોએ પણ તમાચા માર્યા હતા અને લાકડીથી PGVCLની ટીમ અને ઇજનેર પર હુમલો કર્યો હતો, પણ એ સમયે પુરોહિતે લાકડી પકડી લીધી હતી અને ટીમ સાથે જીવ બચાવીને ત્યાંથી નાસી ગયા હતા.

તેમણે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત પુરોહિતને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા પરંતુ ત્યાંથી ડોક્ટરે તેમને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યા છે. તેમની આંખોમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે. ડાબા કાનમાં બહેરાશ આવી ગઈ છે. કપાળના ભાગે લિસોટા પડી ગયા છે. તેમને એટલી હદે મુંઢમાર મારવામાં આવ્યો છે કે હાલ તેઓ વાત કરી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી. હાલ અમારી ટીમ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી રહી છે.