દિવાળીના દિને પણ પ્રવાસીઓની ભીડ ઉમટી, ખાનગી ટ્રાવેલ્સની બસમાં ભાડાં વધારી દેવાયા
અમદાવાદઃ શહેરમાં આજે દિવાળીના દિવસે અનેક પરિવારો પોતાના વતન કે પર્યટન સ્થળે ફરવા માટે ઉપડી ગયા હતા જેના લીધે એસટીબસ. ખાનગી લક્ઝરી બસો, તેમજ રેલવેમાં ભારે ભીડ જોવા મળી હતી. તહેવારોના સમયમાં લોકો પોતાના વતન તરફ જવાનું પસંદ કરતા હોય છે ત્યારે ખાસ સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડામાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં ખાનગી બસના ભાડા રૂપિયા 200થી લઈને 500 સુધી હોય છે, જે હાલના સમયમાં રૂપિયા 1 હજાર સુધી પહોંચ્યા હતા..
અમદાવાદમાં સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનમાંથી વેપાર-ધંધા કે અભ્યાસ માટે આવતા લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જો કે દિવાળીના સમયે આ લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે. ખાસ સૌરાષ્ટ્ર તરફ જનાર પ્રવાસીઓની સંખ્યા મોટી હોય છે, જે માટે ખાનગી બસ ચાલકો હાલ તહેવારના સમયમાં ખૂબ ઊંચું ભાડું વસુલી રહ્યા છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 200-500નું ભાડું હોય છે, તે હાલ રૂપિયા એક હજારથી ઉપર સુધી પહોંચ્યું છે. દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસના ભાડા પર નજર કરીએ જામનગરનું ભાડું 550-650, ભુજ 650-750, સાવરકુંડલા અમરેલી 650-850, સોમનાથ માટે 700-950, દાહોદ માટે 300-700 જોવા મળી રહ્યું છે. જે મુસાફરોમાં પ્રવાહને જોતા 1 હજાર સુધી ભાડું પહોંચ્યું હતું. જોકે મોટી વાત એ છે કે દર વર્ષે ટ્રાવેલ્સ સંચાલકો પ્રવાસીઓ ધસારને જોતા એક્સ્ટ્રા બસ દોડાવતા હોય છે. પરંતુ આ વખતે એવી સ્થિતિ નથી આવી. દૈનિક 150-170 બસનું સંચાલન થાય છે તે યથાવત છે તેમાં કોઇ વધારો નથી, પરંતુ આ તમામ બસો પેક જઈ રહી છે.