Site icon Revoi.in

કોરોનાએ ફુંફાડો માર્યો છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હૈયેહૈયું દળાય એવી ભીડ

Social Share

કેવડિયા : રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.ત્યારે બીજીબાજુ નાતાલના વેકેશનને વિવિધ પર્યટક સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, ગીર સોમનાથ સહિતના દરિયા કિનારાના સ્થળોએ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ક્રિસમસના દિવસે આશરે 30 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ શનિ-રવિના મિનિ વેકેશન અને 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ પેક થઈ ગયું હોવાનું જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ  ક્રિસમસની રજાઓમાં કેવડિયા નજીક આવેલા  સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. નાતાલના દિવસે અંદાજિત 30 હજારથી વધારે પ્રવાસીઓ નોંધાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટો 31 ડિસેમ્બર સુધી બુકિંગ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળે છે. કેવડિયા નજીકની હોટેલો અને ટેન્ટ સિટીઓ પણ પેક થઈ ગયા છે. નાતાલના મિનિ વેકેશન માટે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા પ્રવાસીઓને ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા કરી છે. જ્યારે ઓનલાઈન ટિકિટો બૂક થઈ જતાં ઓફલાઇન ટિકિટો ચાલુ કરાઈ છે અને 30થી 40 જેટલી બસો વધારવામાં આવી છે. અત્યારે મિનિ વેકેશનમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે પર્યટક સ્થળોએ એકઠી થતી લોકોની ભીડ કોરોનાને વકરાવી શકે તેવી શક્યતા છે. પર્યટન સ્થળોએ કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થતું જ નથી. લોકો પણ બેદરકાર જોવા મળી રહ્યા છે. બીજીબાજુ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 179 કેસો નોંધાયા હતા. અને કોરોના વાયરસના કારણે વધુ 2 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 10,113 પર પહોંચ્યો છે. ગુજરાતમાં ઓમિક્રોનના નવા 6 કેસ નોંધાયા છે અને કુલ કેસનો આંકડો 49 પર પહોંચ્યો છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.(file photo)