જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શ્રીનગર હાઈવે પર એક ફિદાઈન એટેક થયો છે. આ હુમલામાં સીઆરપીએફના 30 જવાનો શહીદ થયાના અહેવાલ છે. જ્યારે અન્ય 45 જવાનો ઈજાગ્રસ્ત થયા છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાયેલી મોટી જાણકારી સામે આવી રહી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે શ્રીનગર હાઈવે પર સુરક્ષાદળોના કાફલામાં લગભગ 50 વાહનો સામેલ હતા. જેમાં 20થી વધુ બસ, ટ્રક અને એસયૂવી ગાડીઓ હતી. દરેક બસ અને ટ્રકમાં લગભગ 35થી 40 જેટલા કોન્સ્ટેબલ સવાર હતા. કાફલો જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. તેમ છતાં આ મોટા આત્મઘાતી હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ ફિદાઈન એટેકનું નિશાન સીઆરપીએફની 76મી બટાલિયનની બસ થઈ હતી. યાત્રીઓની યાદી મુજબ, બસમાં લગભગ 39 જવાનો હતા. આત્મઘાતી હુમલાને અંજામ આપનાર આદિલ અહમદ ડાર પુલવામાના કાકપોરાનો વતની છે. તે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઝાકિર મુસાના ગઝવત ઉલ હિંદમાં સામેલ થયો હતો. આતંકવાદી આદિલ અહમદ ડારે ઝાકિર મૂસાના આતંકી ગ્રુપને છોડીને થોડાક સમયમાં જ જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થવાનું પસંદ કર્યું હતું.
સુરક્ષાદળોના સૂત્રોનું કહેવું છે કે હાઈએલર્ટની સાથે કાફલો શ્રીનગર તરફ આવી રહ્યો હતો. કાફલો ગુંડીપોરાની પાસે પહોંચ્યો હતો. ત્યારે આઈઈડી ભરેલી એક કારે સુરક્ષાદળોની એક બસને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ જ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં હાલ સીઆરપીએફના 30 જવાનો શહીદ થવાના અહેવાલ છે. 45 જવાનો ઈજાગ્રસ્ત હોવાનું પણ કહેવામાં આવે છે.
જણાવવામાં આવે છે કે કાશ્મીરના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો આતંકવાદી હુમલો છે. લગભગ એક સપ્તાહ પહેલા જ આવા પ્રકારના આતંકવાદી હુમલાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. તેમ છતાં આવો હુમલો થવો સુરક્ષા એજન્સીઓ માટે મોટી ચિંતાનો વિષય છે.
જે બસને નિશાન બનાવવામાં આવી છે, તેની ક્ષમતા 32 હતી. કારે પહેલા બસનો પીછો કર્યો અને બાદમા તેને ટક્કર મારી હતી. ટક્કરની સાથે જ જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો. ખાસ વાત એ છે કે કાશ્મીરમાં આવા પ્રકારનો આ પહેલો આત્મઘાતી હુમલો છે કે જેને કાર દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.
અત્યાર સુધી સીરિયા અને અફઘાનિસ્તાનમાં આ પ્રકારના આતંકવાદી હુમલા કરવામાં આવતા હતા. આ હુમલા બાદ સુરક્ષાદળોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે આને એક સ્થાનિક આતંકવાદી દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે 192 સ્થાનિક યુવાનો આતંકવાદી બન્યા હતા.
આ પહેલા ભારતીય ગુપ્તચર એજન્સીઓએ એક એલર્ટ પણ જાહેર કર્યું હતું. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓ સંસદભવન પર હુમલાના દોષિત અફઝલ ગુરુની વરસી પર મોટો હુમલો કરે તેવી શક્યતા છે. આ હુમલાને અંજામ આપવા માટે તેઓ આઈઈડી બ્લાસ્ટ કરે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી. તમામ સુરક્ષાદળો સતર્ક હતા. તેની સાથે જ વિસ્તારને સેનિટાઈઝ કર્યા વગર ડ્યૂટી પર નહીં જવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.