નવી દિલ્હીઃ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના મહાનિર્દેશક કુલદીપ સિંહે બુધવારે કહ્યું કે બિહાર હવે વામપંથી ઉગ્રવાદથી મુક્ત થઈ ગયું છે. આ સાથે તેમણે કહ્યું કે સુરક્ષા દળો ઝારખંડના તે વિસ્તારોમાં પ્રવેશી ગયા છે, જે એક સમયે માઓવાદીઓની હાજરીને કારણે દુર્ગમ હતા.
ઉચ્ચ અધિકારી કુલદીપ સિંહે કહ્યું, “લડાઈ તેના અંતિમ તબક્કામાં છે અને હિંસાથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા જે 2010માં 60 હતી તે હવે 39 થઈ ગઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, 2015માં, 90 ટકાથી વધુ હિંસક ઘટનાઓ માટે 35 જિલ્લા જવાબદાર હતા, જે 2021માં વધીને 25 થઈ ગયા હતા.
કુલદીપ સિંહે વધુમાં માહિતી આપી હતી કે 2022 માં, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢમાં મોટી સફળતા મળી હતી, કારણ કે CRPF એ ત્રણેય રાજ્યોમાં ઓપરેશન ઓક્ટોપસ, ઓપરેશન ડબલ બુલ, ઓપરેશન થંડરસ્ટોર્મ અને ઓપરેશન ચક્રબંધ શરૂ કર્યું હતું. આ ઓપરેશનથી 592 માઓવાદીઓની ધરપકડ અથવા આત્મસમર્પણ કરવામાં આવ્યું છે.
અસમાજીક તત્વો અથવા ખંડણીખોરો સિવાય, આપણે કહી શકીએ કે બિહાર નક્સલવાદીઓથી સંપૂર્ણપણે મુક્ત થયું છે. ઝારખંડમાં પણ અમે 5 સપ્ટેમ્બરે પહેલીવાર બુદ્ધ પહાડ પ્રદેશની ટોચ પર પહોંચ્યા હતા. અત્યાર સુધી આ વિસ્તાર માઓવાદીઓના નિયંત્રણમાં હતું પરંતુ હવે અમે ત્યાં સુરક્ષા છાવણી બનાવી છે અને રસ્તાઓનું નિર્માણ પણ શરૂ કરી દીધું છે. બિહારના ચક્રબંધમાં 8×7 કિમી અને બુદ્ધ પહાડ વિસ્તારમાં 4×3 કિમીનો વિસ્તાર માઓવાદીઓથી મુક્ત કરાયો છે. ઝારખંડ વિશે વાત કરતી વખતે, કુલદીપ સિંહે કહ્યું કે, ઝારખંડમાં કુલ 20 ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ અથવા સિક્યોરિટી કેમ્પની સ્થાપના કરવામાં આવી છે અને છેલ્લા છ મહિનામાં 11 બેઝ બનાવવામાં આવ્યા છે.