Site icon Revoi.in

કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની સીઆરપીએફને ધમકી મળી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટમાં બોમ્બની ધમકીના બનાવોમાં વધારો થયો છે, દરમિયાન હવે શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવો ફરીથી સામે આવી રહ્યાં છે. હવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ને દિલ્હીની 2 અને હૈદરાબાદની 1 શાળાને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી. આ સિવાય મેલ મોકલનારએ ડીએમકેના પૂર્વ નેતા ઝફર સાદિકની ધરપકડનો ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં NCB અને પછી ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય તમિલનાડુના કોઈમ્બતુરની ચિન્નવેદમપટ્ટી અને સરવણમપટ્ટીની બે ખાનગી શાળાઓને પણ બોમ્બની ધમકી મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધમકીની માહિતી મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડની ટીમ આ તમામ શાળાઓમાં પહોંચી હતી. આ પછી શાળાઓને ખાલી કરાવવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. જો કે, કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. આ પહેલા 20 ઓક્ટોબરે દિલ્હીના રોહિણીમાં બ્લાસ્ટ થયો હતો. જોકે આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી. માત્ર દુકાનો અને શાળાની દિવાલને નુકસાન થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ પહેલા 1 મેના રોજ દિલ્હી-એનસીઆરની શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. જેના પગલે દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ શાળાઓમાં પહોંચી હતી. આ પછી પોલીસે તમામ શાળાઓની તપાસ કરી, પરંતુ તેમને કંઈપણ શંકાસ્પદ મળ્યું નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબરના રોજ ઘણા વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયા (AI)ની ફ્લાઈટ્સ હતી. જો કે, આમાં પણ તપાસ દરમિયાન કંઈ મળ્યું ન હતું. આ ધમકીઓને કારણે એરલાઇન્સ કંપનીને ભારે નુકસાન સહન કરવું પડે છે.