ક્રુડ તેલના ભાવ $105/બેરલ, 2014 બાદનો સૌથી વધારે ભાવ
- રશિયા-યુક્રેન યુદ્ધની આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર
- ક્રુડ ઓઈલના ભાવ $105/બેરલ
- દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની સંભાવના
દિલ્હી: રશિયા ક્રુડ તેલનું બીજું મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે. તે પોતાનું મોટાભાગનું ક્રુડ તેલ યુરોપની રિફાઈનરીઓને વેચે છે. આ ઉપરાંત કુદરતી ગેસનો પણ મોટો પૂરવઠેદાર દેશ છે. રશિયા પોતાના ગેસનો 35 ટકા પૂરવઠો યુરોપના દેશોને કરે છે. પણ રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવતા વૈશ્વિક ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની સપાટીને વટાવી ગયા હતા.
જો કે 2014 પછી પહેલી વખત ક્રુડ તેલના ભાવ 105 ડોલરને પાર જોવા મળ્યા છે. મોડી સાંજે ક્રુડ તેલ 105 ડોલર બોલાતું હતું. હાલમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. આ ચૂંટણીઓ સમાપ્ત થઈ જવા બાદ પેટ્રોલ-ડિઝલના રિટેલ ભાવમાં ધરખમ વધારો જોવા મળશે.
ભારતની વાત કરીએ તો ભારત તેની ક્રુડ તેલની 85 ટકા આવશ્યકતા આયાત મારફત પૂરી કરે છે. આવી સ્થિતિમાં ક્રુડ તેલના ઊંચા ભાવ ફુગાવો વધારશે એટલું જ નહીં ઉદ્યોગો માટે ઉત્પાદન ખર્ચમાં વધારો કરાવશે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધશે. આ ઉપરાંત દેશનું આયાત બિલ ઊંચે જશે જેને પરિણામે ચાલુ ખાતાની ખાધ પર દબાણ આવશે, જે સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે.