મિડલ ઈસ્ટમાં ભારે તણાવના લીધે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
નવી દિલ્હીઃ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે દુનિયાભરના શેર માર્કેટની ભારે અસર પડી છે. ઓઈલ માર્કેટમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. માત્ર ત્રણ દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં 5 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. જેના કારણે બ્રેટ ક્રૂડ 75 પ્રતિ ડોલર બેરલને નજીક પહોંચી ગયું છે. આ જ કારણે ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ પ્રતિ બેરલ $71ના સ્તરને પાર કર્યા બાદ કારોબાર કરી રહ્યું છે. એમસીએક્સ પર પણ કાચા તેલનો કારોબાર ચાલુ રહેતા આજે રૂ.6 હજારની નજીક પહોંચી ગયો છે. એવું માનવામાં આવે છે કે જો મિડલ ઈસ્ટમાં તણાવ જલદી ખતમ નહીં થાય તો કાચા તેલની કિંમતમાં તીવ્ર વધારો થઈ શકે છે. કેટલાક નિષ્ણાતો ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરના સ્તરે પહોંચી જવાનો પણ ભય સેવી રહ્યા છે.
ક્રૂડ ઓઈલમાં છેલ્લા ત્રણ દિવસમાં નોંધપાત્ર વધારો
મધ્ય પૂર્વથી કાચા તેલના પુરવઠામાં વિક્ષેપ આવવાના ભયને કારણે ઑક્ટોબરના પ્રથમ ત્રણ દિવસમાં કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. બ્રાન્ડ ક્રૂડ 1 ઑક્ટોબરના રોજ બેરલ દીઠ $ 69.92ના નીચા સ્તરે ગગડ્યા પછી બેરલ દીઠ $ 71.82 પર બંધ થયું, જ્યારે 3 ઑક્ટોબરે તેની કિંમત બેરલ દીઠ $ 74.84ની ઊંચી સપાટીએ પહોંચી. આ ઉપરાંત, WTI ક્રૂડ પણ 1 ઑક્ટોબરના રોજ પ્રતિ બેરલ $ 66.33 ના સ્તરે હતું, જે આજે વધીને બેરલ દીઠ $ 71.08 ના સ્તરે પહોંચી ગયું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થવાને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ ક્રૂડ ઓઈલમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 1 ઑક્ટોબરે MCX પર કાચા તેલની કિંમત 5,577 રૂપિયાના સ્તરે હતી, જ્યારે આજે કાચા તેલની કિંમત 5,982 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.
યુદ્ધથી કાચા તેલના ભાવ પર અસર થશે
કોમોડિટી માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યા બાદ તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જો ઈઝરાયેલ આ જ રીતે જવાબી કાર્યવાહી કરશે તો બજારમાં ક્રૂડના પુરવઠાને નોંધપાત્ર અસર થઈ શકે છે. ઓઈલ માર્કેટિંગ નિષ્ણાત રવિન્દ્ર જુનેજાનું કહેવું છે કે જો ઈરાન પર હુમલો થશે તો ક્રૂડ ઓઈલનું ઉત્પાદન પણ ઘટશે. આ સાથે મધ્ય પૂર્વના અન્ય દેશોમાંથી ક્રૂડ ઓઈલના સપ્લાય પર પણ અસર પડશે. ક્રૂડ ઓઈલના ઉત્પાદનને લઈને ઓઈલ ઉત્પાદક દેશોની સંસ્થા ઓપેક પ્લસમાં મડાગાંઠ છે. બીજી તરફ, સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે.