રાજકોટઃ શહેરમા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના કેટલાક મકાનો જર્જરિત બની ગયા છે. જેમાં મ્યુનિ. શાળા નંબર 47 અને 65ના મકાનની છત પરથી પોપડા પડી રહ્યા હોવાથી વિદ્યાર્થીઓ ભય સાથે ભણી રહ્યા છે. વરસાદ ચાલુ હોય ત્યારે છત ચીરીને પાણી કલાસ રૂમમાં પડે છે. બાળકો ઉપર આખી છત ધસી પડે તેવી દહેશત વચ્ચે ભૂલકાંઓનાં જીવ ઉપર સતત જોખમ રહે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનાં વિકાસ મોડલમાં સરકારી સ્કૂલ અને આરોગ્યને વિશેષ પ્રાધાન્ય અપાતુ હોય આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી જેવી સ્માર્ટ સ્કુલો કેમ બનાવાતી નથી એવો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ શાસિત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની જર્જરિત શાળાઓ સામે કોઈ દરકાર લેવામાં આવતા નથી. મ્યુનિ.સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બે જર્જરિત શાળાઓ જર્જરિત બની ગઈ છે. જેમાં લક્ષ્મીનગરથી મવડી રોડ તરફ ન્યુ રાજકોટમાં આવેલી શાળા નં 47 અને 65 માં છતમાંથી પોપડા પડી રહ્યા છે. એટલુ જ નહીં વરસાદ ચાલુ હોય ત્યારે છત ચીરીને પાણી કલાસ રૂમમાં પડે છે. બાળકો ઉપર આખી છત ધસી પડે તેવી દહેશત વચ્ચે ભૂલકાંઓનાં જીવ ઉપર સતત જોખમ રહે છે.
ચોમાસાની ઋતુ શરુ થતા જ શાળાના જર્જરિત બિલ્ડીંગમાં છતમાંથી પાણી પડવા અને પોપડા ખરવાની સમસ્યાથી મ્યુનિ.ના સત્તાધિશો પણ વાકેફ છે. શહેરની મ્યુનિ.સંચાલિત બે શાળા કે જ્યાં ક્લાસરૂમના છતમાંથી એટલું પાણી પડે છે કે, બાળકોને બેસાડવા મુશ્કેલ છે. જેમાં આંગણવાડી બિલ્ડીંગમાં પણ પાણી પડવાની ગંભીર સમસ્યા છે. મ્યુનિ. શાળા નંબર 47 અને 65માં છતમાંથી પાણી ટપકી રહ્યું હોવાનું સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. બંન્ને શાળા જર્જરીત હોવાથી રિપેરિંગની તાત્કાલિક જરૂર છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં બાળકોના 100 ટકા એનરોલમેન્ટનો ટાર્ગેટ આપવામાં આવે છે પરંતુ અમૂક શાળાઓના માત્ર બિલ્ડીંગ જર્જરિત હોવાને લીધે વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાતા નથી. શિક્ષણ સમિતિની શાળા નં.47 અને 65 સહિત 8 જેટલી શાળાઓ જૂની છે, જ્યાં ચોમાસામાં પાણી પડવા જેવી સમસ્યા છે. જેથી ત્યાં રીપેરીંગની જરૂર છે. જોકે ચોમાસા બાદ શાળાઓનું રિનોવેશન થતા સમસ્યા દૂર થઇ જશે તેવો દાવો શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત દ્વારા કરવામાં આવી રહ્યો છે. શાળા નં.47 કે જે લક્ષ્મીનગર મેઈન રોડ પર મહાદેવવાડી પાસે આવેલી છે. જ્યાં સ્કૂલની બિલ્ડીંગની છતમાંથી લોખંડના સળિયા દેખાય છે તેમજ વર્ગખંડ અને આંગણવાડીમાં પણ પાણી ભરાયેલા છે. બાળકોને બેસાડતા પહેલા આંગણવાડીના બહેનોને પાણી દૂર કરવું પડે તેવી સ્થિતિ ઉદભવી રહી છે. ત્યારે સ્થાનિકો અને વાલીઓની માંગ છે કે આ શાળા નંબર 47 અને 65 જે જર્જરિત હાલતમાં છે તેને તાત્કાલિક અસરથી રીપેર કરવી જોઈએ.