Site icon Revoi.in

ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ અટકશે નહી, RBIએ કર્યો આદેશ

Social Share

દિલ્લી: છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારની સાથે સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું પણ લોકો વિચારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બિટકોઈનની કીંમત લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે વાળી શકે છે અને આવામાં RBI દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ તેને પ્રોત્સાહન આપી શકે તેમ છે.

ભારતની બેન્કોને ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગની સુવિધા આપતી અટકાવતા વર્ષ 2018ના નિયમને રદ કરવાના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિર્ણયને ક્રિપ્ટો કરન્સીમાં રસ ધરાવનારાઓએ વધાવી લીધો છે. સોમવારે મોડી રાત્રે આરબીઆઇએ ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ અટકાવવા માટે વર્ષ 2018ના આરબીઆઇના પરિપત્રનો ઉલ્લેખ નહીં કરવા બેન્કોને આદેશ આપ્યો હતો. આરબીઆઇએ સ્થિતિ સ્પષ્ટ કરતાં તમામ કોમર્શિયલ, સહકારી, પેમેન્ટ બેન્ક, સ્મોલ ફાઇનાન્સ બેન્ક, નોન બેન્કિંગ ફાઇનાન્સ સંસ્થાઓ અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સને નોટિસ મોકલી આપી હતી.

નોટિસમાં ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, મીડિયાના અહેવાલો પરથી અમારા ધ્યાને આવ્યું છે કે ચોક્કસ બેન્કો અને સંસ્થાઓ આરબીઆઇના 6 એપ્રિલ 2018ના પરિપત્રનો ઉલ્લેખ કરીને તેમના ગ્રાહકોને ક્રિપ્ટો કરન્સીનું ટ્રેડિંગ કરતાં અટકાવી રહ્યાં છે.

વર્ષ 2018ના આરબીઆઇના પરિપત્ર બાદ કેટલીક બેન્કો અને નાણાં સંસ્થાઓ ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને અટકાવતી હતી. બેન્કો દ્વારા કેટલાક ગ્રાહકોને ચેતવણી આપતા ઇમેલ કરાતા હતા કે તેમને ક્રિપ્ટો કરન્સીના વ્યવહારો માટે બેન્ક ખાતા અથવા તો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. કેટલાક મીડિયા રિપોર્ટમાં આરોપ મુકાયો હતો કે ભારતીય રિઝર્વ બેન્કે બિનસત્તાવાર રીતે બેન્કોને ક્રિપ્ટો કરન્સીના બિઝનેસ અને ટ્રેડર્સ સાથે સંબંધો તોડી નાખવાનો આદેશ આપ્યો હતો.

ક્રિપ્ટો કરન્સી પણ શેર માર્કેટ જેવું છે તેવુ જાણકારો કહી રહ્યા છે. તેમાં રોકાણ કરતા પહેલા અનેક વાર વિચારવું જોઈએ. ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ કેવી રીતે ઓપરેટ થાય છે તેના વિશે કોઈ જાણકારી ન હોય તો પોતાના જોખમ પર રૂપિયાને રોકી શકાય છે. અથવા રૂપિયાથી હાથ પણ ધોવાનો સમય આવી શકે તેમ છે.