Site icon Revoi.in

બનાસકાંઠામાં ગલગોટાની ખેતી કરીને ખેડુતો પસ્તાયા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુર આજુબાજુના વિસ્તારોમાં ખેડુતોએ આ વખતે ગલોગોટા ફુલોનું વાવેતર કર્યું હતું, સારા ભાવ મળશે એવી ખેડુતોને આશા હતી પણ પુરતા ભાવ ન મળતા ખેડુતો પસ્તાયા છે, શ્રાદ્ધપક્ષમાં પુલોના ભાવ ઓછા હતા ત્યારે ફુલોના જથ્થાબંધ વેપારીઓએ ગલગોટા ફુલોની ખરીદી કરીને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કરી દીધો હતો. હવે નવરાત્રીમાં ફુલોની માગ વધતા વેપારીઓએ સ્ટોક છૂટો કરતા યાર્ડમાં ફુલોના ભાવમાં વધારો થયો નહીં, આથી ખેડુતોને નીચા ભાવે ગલગોટા ફુલોને વેચવાની ફરજ પડી રહી છે. ફુલોની ખેતી કરતા ખેડૂતોને ભારે નુકસાની સહન કરવી પડી રહી છે. ખેડૂતોને આશા હોય છે શ્રાદ્ધ અને નવરાત્રીના પર્વે ફુલોના તેમને મોં માગ્યા દામ મળશે પરંતુ વેપારીઓને સંગ્રહખોરીને કારણે ખેડૂતોને યોગ્ય દામ ન મળ્યા અને ગ્રાહકોને પણ ઉંચા દામે ફુલો ખરીદવા પડી રહ્યા છે.

નવરાત્રી સહિત તહેવારો ટાણે ફૂલોની માગમાં વધારો થતો હોય છે. હાલ ગલગોટા ફુલોના યોગ્ય ભાવ ન મળતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.  નવરાત્રીના પર્વ તેમજ દિવાળીના તહેવારોમાં ફૂલોની માગ વધુ રહેતી હોય છે અને ફૂલની ખેતી કરતા ખેડૂતોને તહેવારમાં ફૂલોની માગ વચ્ચે વધુ ભાવની આશા હોય છે. પરંતુ હાલ સ્થિતિ કાંઈક ઉલટી છે. પાલનપુરમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ઉગાડેલા ફૂલોનો બજારમાં ભાવ ન આવતા લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

યાર્ડના સૂત્રોના કહેવા મુજબ ખેડૂતોને ફૂલોના પુરતા ભાવ મળતા નથી. શ્રાદ્ધના દિવસોમાં ખેડૂતોએ 15 રુપિયે કિલો ફૂલ વેચ્યાં હતા. ચાલાક વેપારીઓએ મોટા પાયે તેની ખરીદી કરી લીધી અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રાખ્યાં. હવે માર્કેટમાં માંગ નીકળતા તેઓ ગ્રાહકો પાસેથી ઉંચો ભાવ વસૂલી રહ્યાં છે.ફૂલોની ખેતી કરનારા ખેડૂતોને જ માત્ર નુકસાન નથી. પરંતુ ગ્રાહકોની હાલત પણ કાંઈક એવી જ છે. ગ્રાહકોને તો આ ફૂલોના 4 ગણા ભાવ ચૂકવવા પડે છે. આમ વેપારીઓની ચાલાકીના કારણે ખેડૂતો અને ગ્રાહકો બંનેને નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદો છે.