અમદાવાદના ઓઢવની ડમ્પિંગ સાઈટ પર નિર્માણ કરાયું સાંસ્કૃતિક વન, 2.85 વૃક્ષો, ફુલછોડ વવાયા
અમદાવાદઃ રાજ્યના દરેક મહાનગરોમાં કચરાની ડમ્પિંગ સાઈટ તંત્ર માટે માથાના દુઃખાવારૂપ બનતી હોય છે. કારણ કે રોજબરોજ વધતા જતા કચરાને લીધે ડમ્પિંગ સાઈટ પર ડુંગરો ઊભા થઈ જતાં હોય છે. ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક 8.5 હેક્ટર વેસ્ટ લેન્ડ કે, જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ 8.5 હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ 2019માં ‘જડેશ્વર સાંસ્કૃતિક વન’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બન્યુ છે. વન વિભાગે કચરામાંથી જાણે કંચન સમી લીલી હરિયાળીભર્યું વન ઊભું કર્યું છે.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના ઓઢવ વિસ્તારમાં વન વિભગ દ્વારા જડેશ્વર સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવેલું છે, જે પ્રથમ સાંસ્કૃતિક વન છે. જડેશ્વર વન દેશનું પ્રથમ એવું વન છે જેના પર વન વિભાગે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની મદદથી સ્પેશિયલ કવર પણ લોન્ચ કર્યું છે. સાંસ્કૃતિક વન આ વિસ્તારના લાકો માટે ફરવાનું સ્થળ બની રહે તે માટે ડમ્પિંગ યાર્ડમાંથી એસેટ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ 5 વર્ષમાં 140.30 ટન અને 10માં વર્ષે 188.40 ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના ફેફસાના રૂપે કાર્ય કરે છે સાથો-સાથ આટલી મોટી માત્રમાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીનું જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને વેગ મળશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જડેશ્વર વન વિસ્તારના પ્લોટમાં આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ અને અન્ય ક્ષૃપ પ્રકારની વનસ્પતિ સાથે કુલ 2,85,986થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહીં વિવિધ 22 બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે 4.5 કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિર્માણ પણ કરાયું છે. આ સાંસ્કૃતિક વનમાં આશરે એક કિમી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં બને તરફ દર 100 મીટર પર વિવિધ ઋતુઓમાં જુદા-જુદા રંગના ફૂલોથી શોભતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જડેશ્વર વનમાં એક કમળકુંડ બનાવવામાં આવ્યું છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કમળકુંડ કમળના ફૂલોથી સુશોભિત રહે છે, તેના ઉપર કમાન આકારના એક ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં બેઠક વ્યવસ્થા માટે બે વનકુટીર બનાવવામાં આવી છે. લોકોને શહેરની વર્ષા વનનો અનુભવ માણવા માટે એક મીસ્ટ ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યુ છે, જેથી અંદર ચાલવાનો આનંદ અહી આવનાર તમામ લોકો માણી શકે.
વન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જડેશ્વર વનના મુખ્ય પ્રવેશદ્વારની સામે એક તથા કમળકુંડ પાસે એક એમ કુલ બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે મૂકવામાં આવી છે. જેના માધ્મયથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પ્રજાજનો સુધી સહેલાઇથી પહોંચાડી શકાય છે. આ વનમાં બનાવવામાં આવેલ એક્ટિવિટી એરિયા આ વિસ્તારના પ્રજાજનોને વિવિધ રચનાત્મક પ્રવૃતિ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડશે. વન વિભાગના જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ અહીં કરવામાં આવે છે. મેડિટેશન કેન્દ્રમાં થતા યોગને ધ્યાનના કાર્યક્રમો થકી લોકોનું આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે. વનમાં આવતા લોકોને સમયાંતરે રોપાનું વિતરણ કરવામાં માટે એક ઓર્ગેનિક નર્સરી બનાવવામાં આવી છે. જ્યાંથી જુદી જુદી જાતના રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. આ વનમાં ઉત્પન્ન થતાં તમામ જૈવિક કચરામાંથી ખાતર બનાવવા માટે એક કોમ્પોસ્ટ પીટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં આવતા વિઝિટર્સ માટે અન્ય સુવિધાઓ જેમ કે પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, ઇ-ટોઇલેટ તેમજ સામાન્ય ટોઇલેટ્સ વગરે અહીં ઊભા કરવામાં આવ્યા છે.