Site icon Revoi.in

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની ઘૂમ આવક, મણના રૂ. 4000 ઉપજતા ખેડુતોમાં ખૂશી

Social Share

ઊંઝાઃ ગુજરાત નહીં પણ દેશમાં સૌથી મોટું જીરાનું માર્કેટયાર્ડ ઊંઝાનું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનું વેચાણ અને ખરીદી મોટા પ્રમાણમાં થાય છે. ભાવ સારા મળતા હોવાને લીધે માત્ર ઉત્તર ગુજરાત નહીં પણ સૌરાષ્ટ્રમાંથી પણ જીરૂ વેચવા માટે ખેડુતો આવે છે. આ વર્ષે જીરાનું વાવેતર કરનારા ખેડૂતો માટે પાક સોના જેવો સાબીત થઇ રહ્યો છે. એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરાની બજારમાં તેજી જોવા મળી છે. ચાર માસમાં જીરાનો ભાવ બે-ગણો થઇ ગયો છે. એટલે કે જીરાના મણના ભાવ રૂપિયા 4000 બોલાયા હતા. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં જીરામાં હજુ તેજી આવવાની સંભાવના છે.

ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં તેજી જોવા મળતા વેપારીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાર માસમાં જીરાના ભાવ ખૂબ જ ઊંચા આવી ગયા છે. 4 માસ પહેલા જીરાનો ભાવ અઢી હજાર રુપિયા હતો, જ્યારે અત્યારે 4 હજાર રુપિયા સુધી જીરાનો ભાવ પહોંચ્યો છે, એટલે 4 માસમાં જ જીરાના ભાવમાં બે ગણો જેટલો વધારો નોંધાયો છે.

હાલમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 10 હજાર બોરી જીરાની આવક નોંધાઈ રહી છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરૂ વેંચવા આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ જીરામાં તેજી જોવા મળશે તેવું હાલ વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે જીરાનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યુ છે. જેને લઇને જીરાના ભાવમાં ખૂબ જ તેજી જોવા મળી રહી છે. જો આ જ પ્રમાણે જીરાના ભાવમાં તેજી જળવાઇ રહેશે તો જીરાનું વાવેતર કરનારા ખેડૂતો માટે આ ખેતી સોના સમાન સાબીત થશે.