અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાની અસર ઓછી થઇ રહી છે, ત્યારે રાજ્યના તમામ શહેરોમાં ફરી રોનક છવાવા લાગી છે. ઊંઝા ગંજ બજારમાં અત્યારે રોજ હરાજી થાય છે પણ એક દિવસ વરિયાળી, અજમો અને સુવા અને બીજા દિવસે જીરુ, વરિયાળી જેવી ચીજોની હરાજી થાય છે. જોકે સોમવારથી બધી જ ચીજોની હરાજી રોજબરોજ કરવામાં આવશે તેવી જાહેરાત યાર્ડના સત્તાધિશો દ્વારા કરવામાં આવી છે.
ઊંઝા ગંજ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ યાર્ડના વિતેલા સપ્તાહમાં જીરુ, વરિયાળી, ઇબસગૂલની આવકો પૂરતા પ્રમાણમા રહી હતી જ્યારે અજમામાં ખેડૂત માલ ખૂટી પડતા આવકો કપાઇ ગઇ છે. જોકે ભાવમાં ઢીલાશ છે. જીરામાં રાજસ્થાન અને સૌરાષ્ટ્રથી 13થી 15 હજારની આવક રહે છે. સૌરાષ્ટ્રની આવક ઘટી છે. વેપાર માપના છે. હલકા માલના રૂ. 2200થી 2300, મીડીયમના રૂ 2400-2450 અને સારા માલના રૂ. 2500થી 2600 ચાલી રહ્યા છે. વેપારીઓના કહેવા મુજબ જીરામાં રૂ. 25થી 30ની વધઘટે બજાર ટકેલી છે.
ગત માર્ચથી અત્યાર સુધીમાં જીરામાં રૂ. 150થી 200ની મંદી થઇ છે. વરિયાળીમાં હળવદ તથા ઉત્તર ગુજરાતથી 18000 બોરીની આવકો થઇ હતી. હલકા માલના રૂ. 1300થી 1400, મીડિયમ માલના રૂ. 1500 તેમજ બેસ્ટ કલર માલના રૂ. 1700થી 2300 અને આબુરોડના બેસ્ટ ગ્રીન માલના રૂ. 3000થી 3300 ચાલી રહ્યા છે. વરિયાળીમાં હાલમાં સિંગાપોરની લેવાલીને પગલે સુધારો નોધાયો છે. જ્યારે અજમામા આવકો કપાતા રૂ. 100થી 150નો સુધારો થઇ હાલમાં તેના ભાવ રૂ. 1900થી 2200ના ભાવ ચાલી રહ્યા છે. જોકે આ સુધારા પૂર્વે ખાસ્સો ભાવઘટાડો થઇ ચૂક્યો છે. તો બીજી બાજુ ઉનાળુ તલની આવકો પણ ચાલુ થઇ ગઇ છે. તેની હાલમાં 3 હજારની આસપાસની આવક થાય છે. તેના ભાવ રૂ. 1500થી 1600 ચાલી રહ્યા છે. ઇસબગૂલમાં 8થી 10 હજારની બોરીની થાય છે. સામે એટલો જ માલ ખપી જાય છે. તેના ભાવ રૂ. 2100થી 2300 ચાલી રહ્યા છે. એપ્રિલ અને મેમાં રૂ. 300નો સુધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
ઇસબગૂલમાં વધુ પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્પાદનમાં 25 ટકા કાપ આવે તેવી શક્યતાઓ છે. સિઝન પહેલા નિષ્ણાતોએ ઇસબગૂલનું 30 લાખ બોરીનું ઉત્પાદન થશે તેવો અંદાજ મુક્યો હતો તેની હવે 23 લાખ બોરી ઉત્પાદન થવાની શક્યતા સેવાય છે. ઇસબગૂલ ભૂસીના જાન્યુઆરીમાં-ફેબ્રુઆરીમાં કિલોદીઠ રૂ. 335થી 340ના ભાવે ફોરવર્ડ વેપાર થયા હતા તે હવે નિકાસકારોની લેવાલી પાછળ વધીને રૂ. 430 થયા છે