- કરૌલીમાં 7 એપ્રિલ સુધી કર્ફ્યુ લંબાવાયું
- DM એ આદેશ જાહેર કર્યા
- કહ્યું – હજુ હાલત સામાન્ય નથી
જયપુર:રાજસ્થાનના કરૌલીમાં હિંસા બાદ આ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ડીએમએ આ વિસ્તારમાં કર્ફ્યુ 7 એપ્રિલ સુધી લંબાવ્યો છે.તેમનું કહેવું છે કે,કરૌલીમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી અને વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે.
કરૌલીના ડીએમ રાજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું છે કે,હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે,હજુ પણ બધું સામાન્ય નથી. એવામાં કર્ફ્યુ 7 એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે, આ કર્ફ્યુ દરમિયાન લોકોને બે કલાકની છૂટ આપવામાં આવી શકે છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, લોકોને જરૂરી સામાન ખરીદવા માટે બે કલાકનો સમય આપવામાં આવી શકે છે.
આ ઉપરાંત સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ તેમની ઓફિસમાં કામ કરી શકશે.તેઓએ માત્ર તેમનું આઈડી કાર્ડ સાથે રાખવાનું રહેશે અને તેમને ઓફિસમાં પ્રવેશ આપવામાં આવશે.એ જ રીતે, રાજસ્થાનમાં અત્યારે 10મા અને 12માની પરીક્ષા ચાલી રહી છે, તેથી વિદ્યાર્થીઓને પણ એડમિટ કાર્ડ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો છે.
જોકે, કર્ફ્યુની સાથે કરૌલીમાં ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી રહી છે.વર્તમાન પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે આ છૂટ આપવાનો ઈન્કાર કરી દીધો છે.પોલીસે માહિતી આપી છે કે,આ મામલામાં અત્યાર સુધીમાં 13 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને કર્ફ્યુ તોડવા બદલ 33 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ બાબતની વાત કરીએ તો 2 એપ્રિલે રાજસ્થાનના કરૌલી જિલ્લામાં નવસંવત્સર દરમિયાન આ વિસ્તારમાંથી એક મોટરસાઇકલ રેલી નીકળી રહી હતી.આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો,ત્યારબાદ હિંસા ફેલાઈ હતી અને બદમાશોએ કેટલીક દુકાનો અને મોટરસાઈકલને આગ ચાંપી દીધી હતી.જેના કારણે અડધો ડઝન દુકાનો, વાહનો અને અન્ય સામાનને નુકસાન થયું હતું.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં કોમી તંગદિલીનો માહોલ છે. આ હિંસામાં 27થી વધુ લોકો ઘાયલ થયા છે.