મુંબઈઃ ભારત સહિત દુનિયા ઉપર હવે કોરોનાના હેલ્ટા પ્લસ વેરિએન્ટનો ખતરો ઉભો થયો છે. તેમજ દુનિયાના 85 દેશોમાં આ વેરિએન્ટ મળ્યો હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રમાં આ વેરિએન્ટના 10થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી અન્ય પડોશી રાજ્યો વધારે સક્રીય થયાં છે. ગોવામાં તા. 5મી જુલાઈ સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યું છે. તેમજ ગોવાની સરહદ ઉપર બહારથી આવતા લોકોના ટેસ્ટ કરવામાં આવશે. નેગેટિવ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે ગોવાની સરકારે રાજ્ય સ્તરીય કર્ફ્યૂને 5 જૂલાઈ 2021ની સવારના 5 વાગ્યા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ સ્વરુપનો મામલો સામે આવ્યા બાદ તકેદારીના ભાગ રુપે ગોવાની બોર્ડર પર કોવિડ 19ની તપાસ ઝડપી કરવામાં આવી છે. કોરોના વાયરસના નવા રુપને શોધવા માટે તપાસની સ્પીડ વધારવામાં આવી છે અને આ માટે ખાનગી પ્રયોગશાળાઓ સાથે કરાર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પડોશી રાજ્યોમાં કોરોના-19માં ડેલ્ટા પ્લસ સ્વરુપના મામલા સામે આવ્યા બાદ અમે તમામ બોર્ડર પર નજર રાખી રહ્યા છીએ અને તપાસ વધારી દીધી છે. ગોવામાં પ્રવેશ કરનારા જો કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિત મળે છે તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અથવા કોઈ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવશે.