અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરના આઠ વોર્ડમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે રાતના 10 વાગ્યા પછી દુકાનો અને મોલ બંધ રાખવાનો આદેશ કરાયો હતો. દરમિયાન આજે સરકાર દ્વારા અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમયગાળો વધારો છે. હવે રાતના 10થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ થશે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતા રાતના સમયે કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા કર્ફ્યુમાં રાહત આપવામાં આવી હતી. રાતના 12થી સવારના 6 કલાક સુધીની કર્ફ્યુની મુદ્દત આજે પૂર્ણ થઈ હતી. બીજી તરફ રાજ્યમાં ફરીથી કોરોનાએ માથુ ઉચક્યું છે. અમદાવાદ અને સુરતમાં પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી સરકારે શહેરી વિસ્તારમાં કમિશનરોને કોરોનાનું સંક્રમણ અટકાવવા જરૂરી પગલા લેવાની સત્તા આપી છે. દરમિયાન કોરોના સંક્રમણને લઈને સરકારની મીટીંગ મળી હતી. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુને લઈને ચર્ચા કરવામાં આવી હતી. કર્ફ્યુના સમયમાં વધારો કરવા અંગે પણ ચર્ચાઓ થઈ હતી. અંતે કર્ફ્યુને તા. 31મી માર્ચ સુધી લંબાવીને રાતના 10થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુ નાખવામાં આવ્યો છે.