Site icon Revoi.in

ટ્રેનોમાં રિઝર્વેશન ચાર્ટ બની ગયા બાદ કરન્ટ બુકિંગ કરનારા પ્રવાસોને હવે 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે

Social Share

અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનેથી હાલમાં 150 જેટલી ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. કોરોનાકાળ પછી આ તમામ ટ્રેનોને સંપૂર્ણ રીઝર્વેશન સાથે જ દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ સહિત ડિવિઝનમાંથી પસાર થતી આ ટ્રેનોમાં અનેક સીટ ખાલી રહેતી હોવા છતાં પેસેન્જરોને મુસાફરી કરી શકતા નથી.

ઘણા પેસેન્જરો ટ્રેન ઉપડવાના એક કે બે કલાક પહેલા સ્ટેશન પર આવે છે પરંતુ જનરલ ટિકિટ બંધ હોવાથી તેમને ટિકિટ મળતી નથી અને તેઓ ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી. હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આવા પેસેન્જરો ટ્રેન ઉપડવાના ચાર કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ પણ ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા કરંટ બુકિંગ કાઉન્ટર પરથી રિઝર્વેશન ટિકિટ મેળવી શકે છે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર અમદાવાદ જ નહીં તમામા સ્ટેશનો પર આ સ્થિતિ જોવા મળી હતી. કેટલાક પ્રવાસીઓ ટ્રેન ઉપડવાના સમય પહેલા જ રેલવે સ્ટેશન પર આવીને ટિકિટ મેળવવાની મથામણ કરતા હોય છે. નિયમ મુજબ ટ્રેનો અગાઉ રિઝર્વેશન થયા મુજબ દોડાવવામાં આવી રહી છે. પૂર્ણ રિઝર્વેશન ન થયું હોય અને ટ્રેનોમાં સીટો ખાલી હોવા છતાં ટ્રેન ઉપડતા પહેલા સ્ટેશન પર પહોંચેલા પ્રવાસીઓને ટિકિટ મળતી નહતી. આથી હવે રિઝર્વેશનનો ચાર્ટ બન્યા બાદ પ્રવાસીઓ ખાલી બેઠકો પર કરન્ટ બુકિંગ મેળવી શકશે. કરંટ બુકિંગ કાઉન્ટર પર બુક કરનારા તમામ પ્રવાસીઓને  ટિકિટ પર રિઝર્વેશન ભાડામાં રેલવે દ્વારા 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ અમદાવાદ સહિત ડિવિઝનના અન્ય સ્ટેશનો પરથી પણ મેળવી શકાય છે. આ નિર્ણયથી ઈમરજન્સીમાં જઈ રહેલા મુસાફરોને ફાયદો થશે અને તેઓ રેલવેમાં પ્રવાસ કરી શકશે.