ભૂજઃ એસઆઈઆઈબીએ છેલ્લા મુંદ્રા પોર્ટ પર ચીનથી ઈમ્પોર્ટ કરાયેલા 8 કન્ટેનરની તપાસ કરીને દાણચોરીના કારસાને આબાદ ઝડપી પાડ્યો હતો. આ કન્સાઈમેન્ટમાં 30 લાખનો જથ્થો હોવાનું જાહેર કરાયું હતું, પણ કાર્યવાહીમાં કુલ 20 કરોડ જેટલો જંગી જથ્થો સીઝ કરાયો છે તો દિલ્હી અને ગાંધીધામ સ્થિત કસ્ટમ બ્રોકરની કચેરીઓમાં દરોડા પણ પડાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંદ્રા કસ્ટમના એસઆઈઆઈબી વિભાગને ન્યુ દિલ્હી બેઝ્ડ કંપની ઈમ્પેક્સ ટ્રેડીંગ કંપની અને ક્રિએટિવ એસેસરીઝ દ્વારા કરાયેલી કાર્ગોની આયાત પર શંકાસ્પદ કાર્ગો હોવાનું માલુમ પડ્યું હતું. મુંદ્રા કસ્ટમ કમિશનર ટી.વી. રવીની દોરવણી તળે બે કન્ટેનરને રોકાવીને તપાસ હાથ ધરતા તમામ સામાનની મુળ કેટેગરી, વ્યાખ્યા અને ખરેખર તે જે છે, તેમાં ઘણું અંતર જોવા મળ્યું હતું. ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓ ભરેલા કન્ટેનરમાં ભરેલા સામાનને વિભાગે એક એક કરીને બહાર કાઢી તેનું પંચનામું કરતા સામે આવ્યું કે સામાન્ય પ્લાસ્ટીકની પટ્ટી કહીને સ્ક્રીન ગાર્ડ અને ગ્લાસ તો નોન બ્રાન્ડેડ એસેસરીઝ હોવાનું જાહેર કરીને તેની અંદર બ્રાન્ડેડ વાયરલેસ બ્લુટુથ હેડફોન્સ, તેમજ બેટરી સેલ હોવાનું કહીને તેની જગ્યા મોબાઇલની બેટરી લવાઈ રહી હતી.
આ ઉપરાંત બ્રાંન્ડેડ એરપોર્ટ પ્રો, એપલ એરપોર્ડ, બોટ એરપોર્ડ, રીયલમી ઈયર બડ, એપલ મોબાઈલ બેટરી, બ્લુટુથ નેકબેન્ડ, સેમસંગ મોબાઈલ બેટરી સહિતની વસ્તુઓ મળી આવી હતી. આશ્ચર્યજનક રીતે તેમાંથી કેટલાક બ્રાન્ડેડ વસ્તુઓની કિંમત તો ઓન પેપર માત્ર 2 રુપિયા દર્શાવાઈ હતી. સમગ્ર કારસો સામે આવતા આજ પાર્ટીના આવી રહેલા અન્ય 6 કન્ટેનર પણ કસ્ટમે ઝડપી પાડ્યા. જેમાંથી એક તો છાડવાડા સુધી ટ્રકમાં પહોંચી ગયું હતું, જેને કંડલા કસ્ટમનો સહયોગ લઈને એક હોટલ નજીકથી ઝડપ્યું હતું. બાકીના બે કન્ટેનરને મુંદ્રા પોર્ટ પરથીજ અને ત્રણ કન્ટેનર મુંદ્રાથી દિલ્હી જઈ રહ્યા હતા તે દરમિયાન જ ઝડપી પડાયા હતા. તો એક ગોડાઉનમાંથી પકડાયું હતું. જે તમામમાંથી આ પ્રકારનો જથ્થો મળી આવ્યો હતો.
આ પ્રકરણમાં દિલ્હીના ઈમ્પોર્ટરોને, મુંબઈના ટ્રાન્સપોર્ટર સિટીઝન કેરીયર અને દિલ્હી અને ગાંધીધામ સ્થિત કસ્ટમ હાઉસ એજન્ટ સાર્ક એન્ટરપાઈઝને ત્યાં છાપેમારી કરીને તપાસ હાથ ધરી હતી. દાણચોરીના આ કારસાના મુખ્ય સુત્રધાર ઈમ્પોર્ટર કંપનીના એડ્રેસ પર કસ્ટમના અધિકારીઓ પહોંચ્યા તો ખબર પડી કે ત્યાં તો ખુલ્લુ ખેતર છે. જ્યાં કોઇ આ નામનો વ્યક્તિ કે કંપની નથી. એડ્રેસ, બેંક એકાઉન્ટ, આધારકાર્ડ તમામ ખોટી માહિતીઓ આ કારસામા વપરાઈ હોવાનું સામે આવ્યું હતું.