ચક્રવાત ‘આસના’ અરબી સમુદ્રમાંથી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે જણાવ્યું હતું કે, ચક્રવાત ‘આસના’, જે અગાઉ કચ્છ અને અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર ફરતું હતું, તે હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આ વાવાઝોડું હવે ગુજરાતના નલિયાથી 310 કિમી પશ્ચિમમાં છે. આવનારા 24 કલાકમાં તે ભારતીય તટથી દૂર ખસી જવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની અપેક્ષા ઘટી છે.
મીડિયા સાથે વાત કરતા આઈએમડીના વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયે જણાવ્યું હતું કે, ચક્રવાત અસના અરબી સમુદ્રમાં 13-15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જમીનથી સમુદ્ર તરફ બનતા ચક્રવાત અંગે સોમા સેને કહ્યું કે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર એરિયા બનાવ્યા બાદ સમગ્ર ભારતીય ઉપખંડને પાર કરીને, ગુજરાતને પાર કરીને દરિયામાં જાય તે ખૂબ જ દુર્લભ સ્થિતિ છે. લગભગ 49 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત વિકસિત થયું છે અને સમુદ્ર તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે આ ચક્રવાતથી કોઈ ખતરો નથી. તે કિનારેથી સમુદ્ર તરફ આગળ વધ્યું છે.
IMDના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં દબાણ છે. આ સાથે જોડાયેલા વાદળો આંધ્રના દરિયાકાંઠે જામી ગયા છે. સિસ્ટમ મધ્યરાત્રિની આસપાસ ઉત્તર આંધ્ર પ્રદેશ, દક્ષિણ ઓડિશા વિસ્તારને પાર કરે તેવી ધારણા છે. આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે આજે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને પૂર્વ તેલંગાણામાં ભારે વરસાદની સંભાવના છે. આજે રાયલસીમા, કર્ણાટક, દક્ષિણ છત્તીસગઢ, ઉત્તર ઓડિશા અને દક્ષિણ વિદર્ભના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે લો પ્રેશર સિસ્ટમ થોડી આગળ વધશે ત્યારે તેલંગાણા અને વિદર્ભ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા માટે શનિવાર-રવિવાર માટે રેડ વોર્નિંગ જારી કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, તાજેતરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પંજાબ અને હરિયાણામાં વરસાદી ગતિવિધિઓ વધવાની શક્યતા છે. 2-3 સપ્ટેમ્બરે પંજાબ અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે. આ અસરને કારણે દિલ્હીમાં આગામી બે-ત્રણ દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે.