દિલ્હી : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે “બિપરજોય” ચક્રવાત સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ એસ. માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા, ગુજરાતના અનેક મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવો અને જિલ્લા મેજિસ્ટ્રેટોએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, હવામાન વિભાગના મહાનિદેશક, રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA)ના સભ્ય સચિવ તેમજ ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હવામાન વિભાગના મહાનિદેશકે ગૃહ મંત્રીને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર સ્થિત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોયની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વાવાઝોડું 14 તારીખના રોજ સવાર સુધીમાં લગભગ ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે અને પછી ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધીને, સૌરાષ્ટ્ર અને કચ્છને ઓળંગીને 15 જૂને બપોર સુધીમાં જખૌ બંદર (ગુજરાત) નજીક માંડવી (ગુજરાત) પહોંચ્યા પછી કરાચી (પાકિસ્તાન)ની મધ્યે પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. ગંભીર ચક્રવાત વાવાઝોડું 125-135 કિમી પ્રતિ કલાકની સતત પવનની ઝડપથી વધીને 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપ પ્રાપ્ત કરે તેવી શક્યતા છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચક્રવાતી તોફાનના સંભવિત માર્ગમાં રહેતા લોકોની સુરક્ષા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓ અને પગલાં વિશે ગૃહમંત્રીને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને જે લોકો દરિયામાં છે તેમને સુરક્ષિત સ્થળે પાછા બોલાવી લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 21,595 બોટ, 27 જહાજો અને 24 મોટા જહાજો રોકી દેવામાં આવ્યા છે. વસ્તીનું સ્થળાંતરણ કરાવવાની જરૂર પડી શકે તેવા સંવેદનશીલ ગામોની યાદી તૈયાર કરવામાં આવી છે. પટેલે માહિતી આપી હતી કે, ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં 450 હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે અને જરૂરી દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આશ્રયસ્થાનોની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે 597 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની 18 ટીમો અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, આપણો ઉદ્દેશ્ય ચક્રવાતી તોફાન “બિપરજોય”ને કારણે થનારા સંભવિત નુકસાનને ઘટાડવાનો અને ‘કોઇ જાનહાનિ ન થાય’ તે સુનિશ્ચિત કરવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં 12 જૂનના રોજ મળેલી સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશો પર ઝડપથી કાર્ય કરવાની જરૂર છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, કેન્દ્રએ પૂરતી સંખ્યામાં NDRFની ટીમોને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરી છે. આ ઉપરાંત, સૈન્ય, નૌકાદળ, વાયુદળ અને તટરક્ષક દળના યુનિટો અને અસ્કયામતોને પણ જરૂર મુજબ મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ 24 કલાકના ધોરણે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ભારત સરકારની તમામ એજન્સીઓ ઇમરજન્સીની કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. શાહે ગુજરાત સરકારને શક્ય હોય તેવી તમામ મદદ કરવાની ખાતરી આપી છે.
ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા કરે અને વીજળી, દૂરસંચાર, આરોગ્ય, પીવાલાયક પાણી વગેરે જેવી તમામ જરૂરી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે, આપણી તૈયારી એવી હોવી જોઈએ કે કોઈ પણ નુકસાનના કિસ્સામાં આ સેવાઓ તરત જ ફરીથી શરૂ કરી શકાય. શાહે તમામ હોસ્પિટલોમાં મોબાઈલ અને લેન્ડલાઈન કનેક્ટિવિટી તેમજ વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ પડવાનું અનુમાન છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે. તેમણે આવી સ્થિતિનો સામનો કરવા માટે પણ આવશ્યક તૈયારીઓની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શાહે સોમનાથ અને દ્વારકા મંદિરોની આસપાસ જરૂરી તમામ તૈયારીઓ કરવા માટે પણ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નિર્દેશો મુજબ ગીરના જંગલમાં પ્રાણીઓ અને વૃક્ષોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવી જોઈએ.
અમિત શાહે ગુજરાતના સાંસદો તેમજ ધારાસભ્યોને પણ પોતપોતાના વિસ્તારોમાં લોકોને આ ચક્રવાતના ભય અંગે જાગૃત કરીને દરેક શક્ય હોય તે રીતે મદદ કરવા અને તમામ વિભાગો વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો હતો.