અમદાવાદઃ અરબી સમુદ્રમાં વાવાઝોડું બિપરજોય સૌરાષ્ટ્ર-કચ્છ તરફ ઝડપી પવન સાથે આગળ વધી રહ્યું છે. દરિયામાં આ વાવાઝોડું 3 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીના કહેવા મુજબ, આ સ્પીડ વધી શકે છે. વાવાઝોડું આજે બુધવારે પોરબંદરથી 315 કિલોમીટર, દ્વારકાથી 290, જખૌ પોર્ટથી 260 કિલોમીટર અને નલિયાથી 300 કિલોમીટર દૂર છે. હવે વાવાઝોડાની દિશા ફંટાઇને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ વળી છે, જે 15 જૂને સાંજ સુધીમાં જખૌની નજીક માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે લેન્ડફ્લો થશે. આ સમયે પવનની ઝડપ 150 કિમી સુધી રહેશે. જોકે 16 અને 17 જૂને બિપરજોયનો આફ્ટર શોક ચોંકાવશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બિપોરજોય વાવાઝોડાને લીધે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં મોટા ભાગનાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. 15 જૂને વરસાદની તીવ્રતા વધશે, કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો આવરી લેશે. 16 જૂને ઉત્તર ગુજરાત અને આજુબાજુના દક્ષિણ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે
17 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં મેઘરાજા કડાકાભડાકા સાથે કહેર વરસાવશે.
હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ ઉમેર્યું હતું કે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ વેરી સિવિયર સાઇક્લોન જખૌ પોર્ટથી 260 કિમી દૂર છે. હાલ વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. કાલે વેરી સિવિયર સાઇક્લોન ઇન્ટન્સિટિ સાથે ટકરાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડુ જ્યારે ટકરાશે ત્યારે પવનની ગતિ 125-150 kmph રહેશે. અમદાવાદમાં ગુરૂવારે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડશે. કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, રાજકોટમાં અમે વધુ સાવચેતી રાખવા સૂચના આપી છે. આ વિસ્તારોમાં વાવાઝોડાની લાંબા સમય સુધી અસર રહેશે. 15મી જૂને સૌરાષ્ટ્રના-કચ્છમાં જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાદ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
જ્યારે પ્રભાવિત વિસ્તારોમાં, જેમ કે જામનગર, દ્વારકા, કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાદ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં 62થી 87 kmphની ગતિએ પવન સહિત કડકાભડાકા સાથે વીજળી થવાની સંભાવના છે. બીજી બાજુ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર-સામનાથ, બોટાદ અને દીવમાં 30થી 50 kmplની ગતિએ પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ ગાજવીજની સંભાવના છે.