ગાંધીનગરઃ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં તા. 14 અને 15 જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે 125 કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે તા. 13 જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી 0 થી 5 કિ.મી. અને ત્યારબાદ 5 થી 10 કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને પ્રાધાન્ય આપવામાં આવશે એવું રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું.
રાજ્યના રાહત કમિશનરે વાવઝોડાની સંભવિત આપત્તિ સામે બચાવ અને રાહતની તૈયારીઓની સમીક્ષાને અંતે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા પર જિલ્લાના પ્રભારી પ્રધાન, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે સતત સંપર્કમાં રહીને તાગ મેળવવામાં આવી રહ્યો છે.
રાહત કમિશનર પાંડેએ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે, વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ પોલ સહિતનો જરૂરી જથ્થો સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારે પવન અને વરસાદથી લોકોને સલામત સ્થળે ખસેડવા વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 12-12 ટીમો તહેનાત કરાઇ છે જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે, મોરબી, ગિરસોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં એક-એક જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં એનડીઆરએફ ની એક ટીમ અનામત રખાઇ છે. આ જ રીતે એસડીઆરએફની કુલ 12 ટીમમાંથી કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં બે-બે જ્યારે જૂનાગઢ, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં એક-એક ટીમ તહેનાત કરાઇ છે. વાવાઝોડા બાદ પ્રભાવિત વિસ્તારમાં રસ્તા ખુલ્લા કરવા ટ્રી કટરની સાથે વન વિભાગ અને જરૂરી સાધનો સાથે માર્ગ વિભાગની ટુકડીઓ સજજ કરવામાં આવી છે.
પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આવતી રેલવેના અધિકારીઓ સાથે પણ જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે.