અમદાવાદઃ ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌના કિનારે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત બીએસએફએ સંકટની આ ઘડીમાં સરહદી વિસ્તારના ગ્રામજનોની મદદ માટે પ્રયાસો તેજ કર્યા છે. BSF એ મૂલ્યવાન જીવનની સુરક્ષા, માનવીય ગૌરવને જાળવી રાખવા અને સરહદની વસ્તીમાં સુરક્ષાની ભાવના જગાડવાના હેતુથી સુરક્ષા પ્રત્યેની તેની અતૂટ પ્રતિબદ્ધતાને વળગી રહીને તોળાઈ રહેલા સંકટને પહોંચી વળવા માટે મદદનો હાથ લંબાવ્યો છે.
BSFએ આ નાજુક સમયમાં ગ્રામજનોને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આશ્રય આપ્યો છે. ઠુમરી અને વાલાવરીવાંડ ગામના 150 ગ્રામવાસીઓએ બીએસએફ કેમ્પમાં આશરો લીધો છે. ગ્રામજનોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે BSFએ યોગ્ય ગોઠવણ કરી આપી છે. આશ્રય મેળવનારાઓમાં વરિષ્ઠ નાગરિકો સહિત 34 બાળકો તેમજ પુરૂષો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
BSF દ્વારા ગ્રામજનોને પીવાનું પાણી, ખોરાક, તબીબી અને સ્વચ્છતાના ધોરણો જાળવીને જરૂરી સહાય પૂરી પાડવામા આવી રહી છે. અગાઉ, BSF એ તેના એક કેમ્પમાં લગભગ 100 ગ્રામવાસીઓને સમાવી લીધા છે, જે પ્રતિકૂળતાનો સામનો કરીને સરહદી વસ્તીના જીવનની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આશ્રય અને આવશ્યક જોગવાઈઓ પૂરી પાડવા ઉપરાંત, BSF એ જીવન બચાવવાના સાધનોથી સજ્જ ક્વિક રિસ્પોન્સ ટીમો પણ તૈયાર કરી છે.
સીમા સુરક્ષા દળ ચક્રવાત બીપરજોયથી પ્રભાવિત મૂલ્યવાન માનવ જીવનની સલામતી સુનિશ્ચિત કરવાના તેના પ્રયાસોમાં કોઈ કસર છોડી રહી નથી. બીએસએફ દ્વારા પ્રતિકૂળતાનો સામનો કરીને એકતા અને માનવતાની ભાવના જાળવી રાખવાનું ઉદાહરણ પુરૂ પાડવામા આવી રહ્યું છે.