ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે ઓડિશાના દરિયાકાંઠાને સ્પર્શે તેવી શક્યતા
નવી દિલ્હીઃ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું ગંભીર ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે ભીતરકણિકા અને ધામરા વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના સ્પર્શે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં તેની વ્યાપક અસર સાથે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરી છે.
ગંભીર ચક્રવાત પારાદીપથી 420 કિલોમીટર, ઓડિશાના કાંઠા ધામરાથી 450 કિલોમીટર અને પશ્ચિમ બંગાળના કિનારે આવેલા સાગર ટાપુથી 500 કિલોમીટર દૂર છે અને તે બંગાળની ખાડીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
ઓડિશાના કેન્દ્રાપાડા, બાલાસોર અને ભદ્રક જિલ્લાઓ અતિ ભારે વરસાદ સાથે ‘દાના’થી સૌથી વધુ પ્રભાવિત થશે, જ્યારે રાજ્યના અન્ય 11 જિલ્લાઓ પણ તેના પ્રભાવ હેઠળ ભારે વરસાદનો અનુભવ કરશે.
ભુવનેશ્વરના બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી આવતી અને જતી તમામ હવાઈ સેવાઓ આજે સાંજે 5 થી આવતીકાલે સવારે 9 સુધી રદ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહુહેતુક ચક્રવાત કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે.
તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અનેક સરકારી સંસ્થાઓ આવતીકાલ સુધી બંધ રાખવામાં આવી છે. ડોકટરો અને સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે, જ્યારે મોટી સંખ્યામાં પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. માછીમારોને દરિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ભારતીય તટરક્ષક દળએ ચક્રવાત દાના ત્રાટકે તે પહેલાં જાનમાલનું રક્ષણ કરવા શ્રેણીબધ્ધ આગોતરાં પગલાં લીધાં છે. પરિસ્થિતિ પર દળની ઝીણવટભરી નજર છે.
દરમિયાન, સંબંધિત ઝોનલ રેલવેની તૈયારીની સમીક્ષા કરવા ગઈ કાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનાં વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં રેલ સેવાઓ પૂર્વવત કરવા માટે ચોવીસ કલાકનાં નવ વોર રૂમ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.