અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ બંદર પાસે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ વરસી રહ્યો છે. દરમિયાન કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છમાં બે કલાકમાં જ ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયાં હતા.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં હજુ સુધી કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી. હાલમાં, મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાંના કારણે દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના જિલ્લાઓના ઘણા ભાગોમાં રોડ ક્લિયરન્સનું કામ ચાલી રહ્યું છે. માંડવી, મુંદ્રા, કચ્છમાં મેઘતાંડવ જોવુ મળી રહ્યું છે, વાવાઝોડું પસાર થયા બાદથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે.
રાહત કમિશનરે આપેલી માહિતી અનુસાર કચ્છમાં માત્ર 2 કલાકના ગાળામાં 78 મિ.મી. એટલે કે આશરે 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે હજુ પણ કચ્છમાં વરસાદ પડી રહ્યો હોવાની માહિતી અપાઈ હતી. રાહત કમિશનરના જણાવ્યાનુસાર 240 જેટલા ગામડાઓને અસર થઇ હતી. જ્યાં વીજળીના થાંભલા, વૃક્ષો ધરાશાયી થઈ જવા જેવી ઘટનાઓ બની હતી. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં વીજપોલ જમીનદોસ્ત થતા અનેક ગામડાઓમાં રાત્રે અંધારપટ છવાઈ ગયો છે. વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 18 કલાકથી વીજળી ગુલ છે.