ચેન્નાઈ: ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ની અસરને કારણે સોમવારે ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. આ વાવાઝોડું 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. સતત ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મુશળધાર વરસાદને કારણે ચેન્નાઈ એરપોર્ટના રનવે અને સબવે પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ફ્લાઈટને અસર થઈ છે.
મહાનગરપાલિકાના કર્મચારીઓ શહેરમાં વિવિધ સ્થળોએ એકઠા થયેલા પાણીને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારે પવન સાથે મુશળધાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને ઈન્ટરનેટ સેવા ખોરવાઈ ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અવિરત વરસાદને કારણે, ચેન્નાઈ એરપોર્ટનું સંચાલન સવારે 9.40 થી 11.40 સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ પર અને ત્યાંથી લગભગ 70 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.તેમણે કહ્યું કે રનવે અને ટાર્મેક પણ બંધ છે. ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ની અસરને કારણે ચેન્નાઈ અને તેની આસપાસના ચેંગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુર જિલ્લામાં રવિવારે મોડી રાતથી ભારે વરસાદ ચાલુ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, ચક્રવાતી તોફાન 3 ડિસેમ્બરે રાત્રે 11:30 વાગ્યે પુડુચેરીના લગભગ 210 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, ચેન્નાઈથી 150 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર કેન્દ્રિત છે. તે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ મજબૂત થવાની સંભાવના છે અને 5 ડિસેમ્બરે બપોરના સમયે આંધ્રપ્રદેશના નેલ્લોર અને મછલીપટ્ટનમના દરિયાકાંઠે અથડાશે. ચક્રવાતને કારણે રેલ અને હવાઈ સેવાઓ રદ કરવામાં આવી છે અથવા વિલંબિત કરવામાં આવી છે.