Site icon Revoi.in

ચક્રવાત મોચાએ મ્યાનમારમાં મચાવી તબાહી,મૃત્યુઆંક 81 પર પહોંચ્યો  

Social Share

દિલ્હી:ચક્રવાતથી પ્રભાવિત મ્યાનમારમાં ઓછામાં ઓછા 81 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એએફપીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ચક્રવાત ‘મોચા’એ મ્યાનમારના બંદર શહેર સિત્તવેમાં ભારે તબાહી મચાવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, ચક્રવાત અને 130 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રખાઈન રાજ્યની રાજધાની સિત્તવેના કેટલાક ભાગોમાં પણ પૂર આવ્યું હતું.

રોહિંગ્યા મુસ્લિમ લઘુમતી વસવાટ કરતા રખાઈન રાજ્યના બુ મા અને નજીકના ખાઉંગ ડોક ગામોમાં ઓછામાં ઓછા 46 લોકો માર્યા ગયા હતા. દરમિયાન, રખાઈનની રાજધાની સિત્તવેની ઉત્તરે આવેલા રાથેડોગ ટાઉનશીપના એક ગામમાં એક આશ્રમ તૂટી પડતાં 13 લોકોનાં મોત થયાં હતાં અને પડોશી ગામમાં એક મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. સિત્તવે નજીકના બુ મા ગામના વડા કાર્લોએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે. અત્યારે 100 થી વધુ લોકો ગુમ છે.

‘મોચા’ નામ કેવી રીતે પડ્યું? 

મધ્ય પૂર્વ એશિયાના દેશ યમન દ્વારા આ શક્તિશાળી તોફાનને ‘મોચા’ નામ આપવામાં આવ્યું છે. મોચા યમનનું એક શહેર છે, જેને મોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેર કોફીના વેપાર માટે જાણીતું છે. ‘મોચા કોફી’નું નામ પણ આના પરથી રાખવામાં આવ્યું હતું.

ચક્રવાતના નામ કોણ આપે છે?

યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) પેનલના 13 સભ્ય દેશો તોફાનોના નામ આપે છે. જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમન સામેલ છે. આ પ્રદેશમાં ઉદ્દભવેલા ચક્રવાતના જૂથ નામકરણમાં સામેલ દેશોને મૂળાક્ષરો પ્રમાણે નામ આપવામાં આવ્યા છે. જેમ B માંથી બાંગ્લાદેશ પ્રથમ આવે છે, તો તે પહેલા નામ સૂચવે છે, પછી ભારત અને પછી ઈરાન અને બાકીના દેશો.