નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં રેમલ તોફાનને પગલે અનેક શહેરો-નગરોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પરિણામે જનજીવનને પણ અસર થઈ છે. બીજી તરફ એનડીઆરએફ સહિતની બચાવ ટીમો પણ રાહત બચાવની કામગીરીમાં જોતરાઈ છે. દરમિયાન તોફાનમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાની સાથે કાચા મકાનો તુટી પડ્યાં હતા. આ પરિસ્થિતિમાં બંગાળમાં અત્યાર સુધીમાં બે વ્યક્તિઓના મૃત્યું થયાં છે. બીજી તરફ બંગાળના આસપાસના રાજ્યોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. લેન્ડ સ્લાઇડની પ્રક્રિયા દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે ઘણા વૃક્ષો પણ ધરાશાયી થયા છે. બંગાળમાં ચક્રવાતી તોફાનને કારણે અત્યાર સુધીમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. એક 80 વર્ષની વૃદ્ધ મહિલાનું તેના પર ઝાડ પડતાં મોત થયું હતું. અગાઉ ભારે વરસાદને કારણે ઘરનો એક ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ કોલકાતા એરપોર્ટ પર ઓપરેશન શરૂ થઈ ગયું છે. જો કે કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી છે. રેલ્વે સ્ટેશનો પર ટ્રેનો પણ આવવાનું શરૂ થઈ ગયું છે. જો કે કેટલીક જગ્યાએ પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે રાજભવનના રેપિડ એક્શન ફોર્સ સાથે ચક્રવાત ‘રેમાલ’થી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તોફાન રેમલના આગમન બાદ પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળમાં એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રેમલની અસર બાંગ્લાદેશમાં પણ જોવા મળી રહી છે. અહીંથી 8 લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.