અમદાવાદમાં ડબ્બા ટ્રેડિગના રેકેટનો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયાં
અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી સીઆઈડી ક્રાઈમબ્રાન્ચની ટીમે ગેરકાયદે ધમધમતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ કર્યો હતો.સીઆઈડી ક્રાઈમની ટીમે ચાર આરોપીઓને ઝડપી લઈને તેમની પાસેથી 9 મોબાઈલ ફોન, બે લેપટોપ અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. બ્રોકર પાસેથી ગેરકાયદેસર રીતે લોગઇન આઇડી મેળવીને વિવિધ કંપનીઓના શેરની કાયદેસરની ખરીદી કે વેચાણ નહી કરીને તેના તફાવતને આધારે આર્થિક લાભ લેવામાં આવતો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને કરોડો રૃપિયાના આર્થિક વ્યવહારો પણ મળી આવ્યા હતા. જે અંગે સીઆઇડી ક્રાઇમના સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સીઆઇડી ક્રાઇમના સાયબર ક્રાઇમ સેલના પીએસઆઇને બાતમી મળી હતી કે નવરંગપુરામાં રહેતા સંજય શાહ અને રાજીવ શાહ નામના બે ભાઇઓ તેમના ઘરે ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડીંગનું મોટું કૌભાંડ ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને સંજંય શાહ , રાજીવ શાહ (બંને રહે. નવરંગપુરા), વિનોદ શાહ (રહે. અખબારનગર) અને ઉજ્જવલ શાહ (નવરંગપુરા)ને ઝડપી લીધા હતા.પોલીસને સ્થળ પરથી કુલ 10 મોબાઇલ ફોનઅને બે લેપટોપ મળી આવ્યા હતા. જેમાં તેમણે વેલોસીટી બ્રોકર પાસેથી લોગઇન આઇડી મેળવીને મેટા ટ્રેડર્સ 5 નામની એપ્લીકેશનથી ગેરકાયદેસર સોદા કરવામાં આવતા હતા.
પોલીસે તપાસ કરતા ચારેય જણા મોબાઇલ અને લેપટોપ મારફતે વિવિધ કંપનીઓના શેરની ગેરકાયદેસર ખરીદી વેચાણ કરતા હતા. જેમાં કરોડો રૃપિયાના આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા હતા. આ સાથે પોલીસને તેમની સાથે ડબ્બા ટ્રેડીંગ કરતા અનેક લોકોનું લીસ્ટ પણ મળી આવ્યું હતું.