દાહોદઃ 202 દિવસની લાંબી સારવાર બાદ મહિલા કોરોનાને અંતે મ્હાત આપી ઘરે પરત ફરી
અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર ચિંતામાં મુકાયાં છે. દરમિયાન દાહોદમાં એક મહિલાએ 202 દિવસની સુધી કોરોના સામેની લાંબી લડાઈ બાદ કોરોનાને મ્હાત આપી હતી અને અંતે પોતાના ઘરે પરત ફરી હતી. મોતને હાથતાલી આપીને 200 દિવસ કરતા પણ વધારે સમય બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના ગીતાબેન ત્રિલોકના પિતા ભોપાલમાં અવસાન પામતા તેઓ એપ્રિલ મહિનામાં ભોપાલ ગયાં હતા. પિતાની અંતિમિવિધી પૂર્ણ કરીને મહિલા પરત ફર્યા હતા.
દરમિયાન કોરોનાની બીજી લહેર દરમિયાન તા. 1લી મેના રોજ તેઓ કોરના સંક્રમિત થયાં હતા. જેથી તેમને સારવાર અર્થે પહેલા દાહોદ લી જવાયાં હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યાં હતા.
વડોદરાની હોસ્પિટલમાં 23 દિવસની સારવાર બાદ ઓક્સિજન ટ્રીટમેન્ટ માટે દાહોદ લાવવામં આવ્યાં હતા.
કોરોના રૂપી મોતની સામે સતત ઝઝૂમીને સાત મહિનાના અંતે સંપૂર્ણ સાજા થયાં હતા. તબીબોના જણાવ્યા અનુસાર તેમમે મૃત્યુને એક-બે વાર નહીં પરંતુ 9 વાર હાથતાળી આપી હતી.
આખરે સાત મહિનાની સારવાર બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને હોસ્પિટલના તબીબો પેરામેડિકલ સ્ટાફ, દ્વારા ફુલહાર તેમજ તાળીઓના ગડગડાટ વચ્ચે હર્ષભેર વિદાય આપવામાં આવી હતી. જે બાદ સોસાયટીમાં આસપાસના રહીશો તેમજ પરિવારજનોએ આતીશબાજીની સાથે ગીતાબેનને આવકાર્યા હતા. બીજી તરફ મહિલા અને તેમના પરિવારજનોએ હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.