દાહોદઃ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા દોહાદ અને પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુરૂવારે સાંજે ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારબાદ આજે શુક્રવારે યાત્રાનો પ્રારંભ દાહોદથી થયો હતો. ન્યાયયાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરી હતી. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં દર્શન કરીને આશીવાર્દ મેળવ્યા હતા. દાહોદમાં મહિલાઓએ ગરબે રમીને ન્યાયયાત્રાનું સ્વાગત કર્યું હતું. દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં ભાષણ આપ્યું હતું. તેમજ રાહુલ ગાંધીએ લોકો સાથે સંવાદ પણ કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. બાદ જાંબુઘોડાથી બોડેલી પહોંચ્યા હતા, ખાણીવાવ ગામે રાતવોસો કર્યો હતો. શનિવારે બારડોલીમાં રાહુલગાંધીની જાહેર સભા યોજાશે. આ યાત્રામાં સાંસદ જયરામ રમેશ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર સહિતના આગેવાનો જોડાયા છે.
રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં કોંગ્રેસ કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીએ ખુલ્લી જીપમાં બેસી લોકાનું અભિવાદન ઝીલ્યું હતું. ગોધરા અને હાલોલમાં જનમેદની સંબોધ્યા બાદ રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિરના દર્શન કર્યા હતા. મંદિરની તળેટીમાં આવેલા ત્રણ દેવીના મંદિરે દર્શન કર્યા હતા. આ મંદિર મૂળ ખોડિયાર માતાનું છે પરંતું ત્યાં મહાકાળી માતાના પગલાં પણ છે. રાહુલ ગાંધીએ દર્શન બાદ મંદિરમાં 501 રૂપિયા ભેટ ચડાવી હતી. રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત ભાઈચારાનો દેશ છે, નફરતનો દેશ નથી. દેશમાં યુવાનોને આજે રોજગાર નથી, નાના વેપારીને ખતમ કરવામાં આવી રહ્યા છે.