રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં અનેક ઉદ્યોગો આવેલા છે. અને ગુજરાત બહારનો એર ટ્રાફિક પણ સોરોએવો મળી રહે છે. એરપોર્ટની હવાઈ સેવામાં વહેલી સવારે રાજકોટ-મુંબઈની ડેઈલી ફલાઈટ શરૂ કરવા ઉદ્યોગપતિઓ અને મુસાફરોની માંગણી ઉઠતા આગામી તા.31 મી ઓકટોબરથી એર ઈન્ડીયાની રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટ સેવાનો પ્રારંભ થશે. દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડિયાનાં શેડયુલમાં મોટા ફેરફાર થશે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.31મી ઓક્ટોબરથી રાજકોટ-મુંબઈ એઆઈસી 601/602 દરરોજ સવારે 6-10 રાજકોટ લેન્ડીંગ થયા બાદ 6.40 કલાકે પરત મુંબઈ જવા ટેક ઓફ થશે.આ ઉપરાંત હાલ સાંજે રાજકોટ-દિલ્હી અને રાજકોટ-મુંબઈ ડેઈલી ફલાઈટનું ઉડ્ડયન તા.31 મીથી સપ્તાહમાં 4 દિવસ ઉડશે. જેમાં રાજકોટ-દિલ્હી એઆઈસી 403/404 સોમ,મંગળ,ગુરૂ,શનિ,અને રાજકોટ-મુંબઈ એઆઈસી 655/656 મંગળ,ગુરૂ, શુક્ર,રવિવારે ઉડ્ડયન શરૂ રહેશે.
દિવાળીના તહેવારો એર ઈન્ડીયાએ દિલ્હી-મુંબઈની ડેઈલી સેવામાં કાપ મુકી આ બન્ને ફલાઈટ સપ્તાહમાં 4-4 દિવસનો શેડયુલ જાહેર કર્યો છે. દિવાળીનાં તહેવારોમાં એર ઈન્ડીયાએ સેવામાં કાપ મુકતા મુસાફરોને હવાઈ સેવામાં ઘટાડો થશે. સ્પાઈસ જેટ અને ઈન્ડિગો કંપનીના શેડયુલમાં ફેરફાર થવાની શકયતાઓ છે.આ બન્ને એર લાઈન્સ કંપનીનાં નવા શિડયુલ એકાદ સપ્તાહમાં જાહેર થાય તેવી શકયતા છે.