Site icon Revoi.in

રાજકોટમાં 15મી જુલાઇથી મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ અને ગોવાની ડેઇલી ફ્લાઇટ શરૂ થશે

Social Share

રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા હવે જાહેર પરિવહન સેવા રાબેતા મુજબ બની રહી છે. સૌરાષ્ટ્રમાં હવાઇ સેવામાં વધારા સાથે મુસાફરોનો ટ્રાફિક પણ વધવા લાગ્યો છે. અને તેની સાથે રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં વધારો થવા લાગ્યો છે. પહેલા માત્ર સપ્તાહમાં 4 દિવસ જ હવાઇ સેવા શરૂ હતી. જ્યારે હવે આગામી તા.15મી જુલાઇથી સ્પાઇસ જેટ કંપની મુંબઇ, દિલ્હી, ગોવા, હૈદરાબાદની ડેઇલી ફ્લાઇટ ઉડાન ભરશે. જેમાં રાજકોટ-મુંબઇની 144 બેઠકની ફ્લાઇટ અને અન્ય શહેરની 78 બેઠકની ફ્લાઇટ ઉડાન ભરશે.

રાજકોટમાં હવે વિમાની સેવા પૂર્વવત બની રહી છે. સ્પાઇસ જેટ કંપની દ્વારા જુલાઇથી સપ્ટેમ્બર સુધીનું ફ્લાઇટ શિડ્યુલ જાહેર થયું છે. જેમાં મુંબઈથી રાજકોટ સવારે 5.40 વાગ્યે ટેક ઓફ કરશે. રાજકોટ સવારે 7 વાગ્યે પહોંચશે. રાજકોટથી સવારે 7.30 કલાકે ટેક ઓફ કરશે. મુંબઈ સવારે 8.30 કલાકે લેન્ડ થશે. હૈદરાબાદથી સવારે 6.05 કલાકે ટેક ઓફ કરશે, રાજકોટ સવારે 8.15 કલાકે લેન્ડ થશે. આ જ ફ્લાઇટ રાજકોટથી દિલ્હી માટે સવારે 8.35 કલાકે ટેક ઓફ કરશે અને દિલ્હી સવારે 10.50 કલાકે લેન્ડ થશે.

દિલ્હીથી રાજકોટ માટે સવારે 11.30 કલાકે ટેક ઓફ કરશે, રાજકોટ બપોરે 1.40 કલાકે લેન્ડ થશે, રાજકોટ થી ગોવા માટે બપોરે 2 વાગ્યે ટેક ઓફ કરશે, બપોરે 4.20 કલાકે ગોવા લેન્ડ થશે. ગોવા થી રાજકોટ માટે સાંજે 5.05 કલાકે ટેક ઓફ કરશે, રાજકોટ સાંજે 7.25 કલાકે લેન્ડ થશે. આ જ ફ્લાઇટ રાજકોટ થી હૈદરાબાદ માટે સાંજે 7.45 કલાકે ટેક ઓફ કરશે, હૈદરાબાદ રાત્રે 10 વાગ્યે પહોંચશે. ફલાઇટનું શિડયુલ જાહેર થતા રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રવાસીઓને હવાઇ સેવા ઉપયોગી નીવડશે.