Site icon Revoi.in

ડાકોરઃ ભગવાનની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ, 250મી રથયાત્રા નીકળશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ માટે હાલ અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીની રથયાત્રા જોડાશે. કોરોના મહામારીને કારણે બે વર્ષ બાદ યોજાનારી આ રથયાડાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાનની 250મી રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ છે.

ડાકોર મંદિરની રથયાત્રામાં ત્રણ પૈકી ચાંદી, પિત્તળ અને કાષ્ટનો રથ મુખ્ય છે. રથયાત્રાના દિવસે સૌ પ્રથમ સવારે ભગવાન રાજા રણછોડજીની મંગળા આરતી થશે, મંગળા આરતી બાદ ભગવાનને કેસર સ્નાન કરાવવામાં આવશે, કેસર સ્નાન પછી ભગવાનને ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ નવ વાગ્યાના અરસામાં રણછોડરાયજીનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજનું ઘુમ્મટમાં રથ લાવી કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનને ઘુમ્મટમાં જ 11 પરિક્રમા કરાવવામાં આવશે, દસ વાગ્યાના અરસામાં ભગવાન નગરચર્યાએ નીકળશે, જેમાં સૌપ્રથમ ભગવાન તેમની ગૌશાળા એટલે કે લાલબાગે પહેલો પડાવ કરી ત્યાં ભગવાનની આરતી કરવામાં આવશે અને ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનના રથ ત્યાંથી નીકળી વડા બજારમાં થઈ ભરત ભુવનવાળા રસ્તેથી નરસિંહ ટેકરી પહોંચશે. ત્યાં પણ ભગવાનનો બીજો પડાવ કરવામાં આવશે. ત્યાં ગોપાલલાલજીની આરતી થશે અને પ્રસાદ ધરાવવામાં આવશે. ભગવાન રાધાકુંડે પહોંચી ત્યાં રાધાજીની મુલાકાત લેશે. ત્યાં પણ ભગવાનને આરતી અને ભોગ ધરાવવામાં આવશે. ભગવાનના રથ પરંપરાગત રૂટ ઉપર થઈને લક્ષ્મીજી મંદિરે પહોંચી લક્ષ્મીજીની મુલાકાત લીધા બાદ નીજ મંદિર પરત ફરશે.