Site icon Revoi.in

ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં હવે ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને પ્રવેશ નહીં મળે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અંબાજી, દ્વારકા સહિતના મંદિરોમાં દર્શનાર્થીઓને ટુંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજીના મંદિરમાં પણ હવે દર્શનાર્થીઓને ટુંકા વસ્ત્રો પહેરીને આવશે તો મંદિરમાં પ્રવેશ નહીં મળે એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રશાસને ટુંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં દર્શન પ્રવેશ માટે પ્રતિબંધ લગાવ્યો છે સાથે વૈષ્ણવો-ભકતોને પણ અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં દ્વારકામાં મંદિર ટ્રસ્ટે જગત મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યા હતા. જેના પગલે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ટ્રસ્ટે પણ મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને પ્રવેશતા દર્શનાર્થીઓ પ્રતિબંધ ફરમાવતો ઠરાવ પસાર કરી મંદિર પરિસરના દરેક જગ્યાએ નોટીસો લગાડવામાં આવી છે.

ડાકોર મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અગાઉ પણ આ ઠરાવ થયો હતો અને અપીલ કરાઈ હતી હવે પુન: આ નિર્ણય લઈ મંદિર પરિસરમાં પેમ્ફલેટો સહિત નોટીસ લગાડી ભકતોને અપીલ કરવામાં આવી છે. મંદિરની ગરીમા જળવાય તે જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાનાં અંબાજી મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરેલા ભકતોને પ્રવેશ આપવામાં આવતો નથી સાથે શામળાજી મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં દ્વારકા બાદ ડાકોર અને રણછોડરાય મંદિરમાં પણ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. ભાવિકોએ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણયને આવકાર આપ્યો છે.