મુંબઈઃ 1995માં પોતાના પ્રથમ મ્યુઝીક આલ્બમ ‘બોલે તા. રા.. રા..’થી જણીતા બનેલા પંજાબના પોપ સિંગર દલેર મેહંદીનો તા. 18મી ઓગસ્ટ 1967માં બિહારના પટનામાં જન્મ થયો હતો. દલેર મેહંદીએ પોતાના ગીતોથી દર્શકોના દિલોમાં એક અલગ જ જગ્યા બનાવી છે. તેમના ગીતો આજે પણ લોકો સાંભવાનું પસંદ કરે છે. તેઓ સારા ગાયક હોવાની સાથે એક લેખક અને રિકોર્ડ પ્રોડ્યુસર પણ છે. તેમની પ્રોફેશનલ જીંદગીની સાથે તેમની અંગત જીંદગી પણ ઘણી રોચક છે.
દલેર મેહંદી આજે પોતાનો 54મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. તેમણે માત્ર 11 વર્ષની ઉંમરે જ ગોરખપુરમાં ઉસ્તાદ રાહત અલી ખાન પાસે સંગીત શિખવા માટે પોતાનું ઘર છોડ્યું હતું. 13 વર્ષની ઉંમરે જ તેમણે 20 હજાર લોકોની વચ્ચે સ્ટેજ ઉપર પરફોર્મ આપ્યું હતું. અહીંથી તેમની જીંદગીમાં નવો વળાંક આવ્યો હતો. તેમને તેમના ગીત અને સંગીત માટે અલગ ઓળખ મળી છે. તેમનું નામ દલેર પડવા પાછળ પણ એક રોમાંચક સ્ટોરી છે. તેમના માતા-પિતા ડાકુ દલેરસિંહથી પ્રભાવિત હતા. જેથી તેમણે પોતાના દીકરાનું નામ દલેર પાડ્યું હતું. પરંતુ દલેર મોટા થયા તો જાણીતા ગાયક પરવેઝ મેહંદી નામ ઉપરથી તેમના નામની સાથે મહેંદી જોડાયું હતું. આમ તેમનું નામ દલેર મેહંદી પડી ગયું હતું.
પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાના સંગીતથી દલેર મેહંદીએ ધમાલ મચાવી હતી પરંતુ તેમના મિત્રો તમને બોલીવુડના ગીતો ગાતા જોવા માંગતા હતા. એક વાર એક મિત્રએ તેમને પૂછ્યું કે, બોલીવુડ માટે ક્યારે જાવ છે. તેના જવાબમાં દલેર મેહંદીએ જણાવ્યું કે, અમિતાભ બચ્ચન બોલાવશે ત્યારે બોલીવુડમાં ગીત ગાઈશું. આ વાતના બે મહિના બાદ જ અમિતાભ બચ્ચને તેમને ફોન કર્યો હતો. તેમજ અમિતાભ બચ્ચન માટે ગાવાનો ચાન્સ મળ્યો હતો.
મીકા સિંહની જેમ તેમના મોટાભાઈ દલેર મેહંદી પણ વિવાદોથી ઘેરાયેલા છે. રિપોર્ટ અનુસાર બખ્શીશ નામની એક વ્યક્તિએ દલેર મેહંદી ઉપર પૈસા લઈને વિદેશ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. આ ઉપરાંત જાણીતા બેનર યશરાજ ફિલ્મસ સાથે પણ તેમની તકરાર થઈ હતી. વિવાદ વકરતા દલેર મેહંદીએ ઝૂમ બરાબર ઝૂમને લઈને યશરાજ ફિલ્મસ સામે કેસ કર્યો હતો. દલેર મેહંદીએ બાહુબલી ફિલ્મમાં જીયો રે બાહુલબી ગીતને અવાજ આપ્યો હતો.
(Photo-Social Media)