Site icon Revoi.in

નરોડાના નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણના મુદ્દે દલિત સમાજ દ્વારા ધારાસભ્યનો ઘેરાવ

Social Share

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં નવનિર્મિત રેલવે ઓવરબ્રીજના નામકરણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઓવરબ્રિજનું  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરાશે. છેલ્લા એક મહિનાથી બે સમાજના સંતોના નામ પર બ્રિજને લઈને ચાલતા વિવાદ વચ્ચે  મંગળવારે નરોડા ખાતે આવેલી એક હોસ્પિટલની મુલાકાતે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી આવ્યા હતા. ત્યાં દલિત સમાજની મહિલાઓ દ્વારા તેઓનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. દલિત સમાજની મહિલાઓએ તેઓને પ્રશ્ન કર્યો હતો કે સંત રોહીદાસ ઓવર બ્રિજનું નામ રાખવામાં આવી રહ્યું છે તેનો તમને શું વાંધો છે. બ્રિજના નામકરણમાં બલરામ થાવાણીનો ઘેરાવ કરી અને તેઓને પ્રશ્ન પૂછવામાં આવતા તેઓ ત્યાંથી રવાના થઇ ગયા હતા.પોલીસ દ્વારા 20 મહિલાઓની અટકાયત કરાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરોડા ખાતે આવેલી એક  હોસ્પિટલમાં ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી આવ્યા હોવાની જાણ થતાં દલિત સામાજની બહેનો એકઠી થઈ ગઈ હતી. અને ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો. દલિત સમાજની મહિલાઓ દ્વારા વિરોધ થતાં જ પોલીસ દોડી આવી હતી અને 20 જેટલી મહિલાઓની અટકાયત કરી હતી. નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ જણાવ્યું હતું કે હું નરોડા હોસ્પિટલમાં યોગના કાર્યક્રમમાં ગયો હતો. ત્યાંથી ડોકટરો સાથે હું બહાર નીકળ્યો ત્યારે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બહેન ત્યાં કોંગ્રેસની બહેનો સાથે વીડિયો ચાલુ કરી હાજર હતા. તેઓએ કહ્યું અમારા સંતનો તમે કેમ વિરોધ કરો છો. મેં કહ્યું કોઈ સંતનો વિરોધ ન હોય. સંત દરેક સમાજના હોય. મેં બહેનને કહ્યું તમે મારી સાથે આવી રીતે વાત ન કરો અને બાદમાં હું ત્યાંથી નીકળી ગયો હતો.

નરોડા રેલવે સંત રોહીદાસ ઓવરબ્રિજ નામકરણ કરવા પશ્ચિમ લોકસભાના ભાજપના સાંસદ ડો.કિરીટ સોલંકીએ પત્ર લખી રજુઆત બાદ પણ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના જ શાસકોએ સાંસદ સભ્યને પણ ગાંઠયા નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામોમાં સરદારનગર વોર્ડના કોર્પોરેટર કંચનબેન પંજવાણીની દરખાસ્તને ધ્યાને રાખી નરોડા રેલવે ઓવરબ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ રેલવે ઓવરબ્રિજ રાખવા મંજૂરી આપવામાં આવી હતી.

સ્થાનિક લોકો અને દલિત સમાજની માંગણી હતી કે, શહેરના નરોડા રેલવે ઓવરબ્રિજનું નામકરણ સંત રોહિતદાસ બ્રિજ રાખવામાં આવે એના માટે છેલ્લા એક વર્ષથી મ્યુનિસિપલ કમિશનર, મેયર, સાંસદ સભ્ય અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. જોકે ત્રણેક દિવસ પહેલા અમને જાણવા મળ્યું હતું કે મ્યુનિ. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં સરદારનગર વોર્ડના કોર્પોરેટર કંચન પંજવાણીના દરખાસ્તની સાથે આ બ્રિજનું નામકરણ બીજું રાખવામાં આવ્યું છે. આ દલીત સમાજના સંતનું અપમાન છે જે ચલાવી લેવાશે નહી.