અફ્ઘાનિસ્તાનમાં ડામાડોલ મેડિકલ વ્યવસ્થા, 60 બાળકો માટે માત્ર બે નર્સ
તે વાતમાં કોઈ શંકા નથી કે તાલિબાનના શાસન હેઠળ અફ્ઘાનિસ્તાનની હાલત દિવસેને દિવસે બગડી રહી છે, આવામાં જો વાત કરવામાં આવે અફ્ઘાનિસ્તાનની મેડિકલ વ્યવસ્થાની તો મીડિયા રિપોર્ટ અનુસાર રોજ 167 બાળકો મોતને ભેટે છે અને 60 બાળકો વચ્ચે માત્ર 2 નર્સ જ છે. સત્તા પર કબજો કર્યા પછી, તાલિબાન મહિલાઓ પર સતત વિવિધ પ્રતિબંધો લાદી રહ્યું છે. તેમણે મહિલાઓને એનજીઓમાં કામ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે એજન્સીઓ સમાજ સેવાના રૂપમાં પણ બાળકોને મદદ કરી શકતી નથી. ઘોરની એક હોસ્પિટલમાં કામ કરતા ડો. સમદીએ જણાવ્યું કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન સિલિન્ડર નથી. સારવાર માટે અન્ય જરૂરી મશીનોની પણ અછત છે.
યુનિસેફના જણાવ્યા અનુસાર આ બાળકો ગંભીર બીમારીઓથી પીડિત છે. જોકે, આ રોગોની સારવાર શક્ય છે. ખરેખર, અફઘાનિસ્તાનમાં સ્વાસ્થ્ય સુવિધાઓ હંમેશાં ખરાબ રહી છે. તાલિબાનના કબજાને કારણે હુમલાઓ, વિદેશી ફંડિંગ દ્વારા અહીં સારવારની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, પરંતુ તે પણ 2021 પછી બંધ થઈ ગઈ.
હોસ્પિટલ પાસેના કબ્રસ્તાનમાં આવી અનેક કબરો છે, જ્યાં કોઈનું નામ નથી અને તેની સંભાળ રાખનાર પણ કોઈ નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અહીં ખોદવામાં આવેલી નવી કબરોમાં અડધાથી વધુ કબર બાળકોની છે.