Site icon Revoi.in

અમદાવાદના નવ તાલુકામાં ભારે વરસાદથી કૃષિપાકને થયેલા નુકશાન અગે સર્વે કરાયો

Social Share

અમદાવાદઃ  જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આ સિવાય અન્ય પાકને નુકસાન થયું છે. કે નહીં ? તે જાણવા માટે જિલ્લાના નવ તાલુકામાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં સર્વે રિપોર્ટ આવ્યા બાદ નુકસાનીનો સાચો આંકડો જાણવા મળશે. જોકે પ્રાથમિક રિપોર્ટમાં સતત વરસાદને લીધે ખરીફ પાકને સારૂએવું નુકશાન થયું હોવાની નોંધ કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લામાં સતત વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થયું છે. ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. જિલ્લાના નવ તાલુકા બાવળા, દસ્ક્રોઇ, ધંધુકા, ધોલેરા, ધોળકા, દેત્રોજ, માંડલ, સાણંદ અને વિરમગામ તાલુકામાં ઊભા પાકને કેટલું નુકસાન થયું છે? તેની જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે થઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ કહ્યું કે, ધોળકામાં ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ પણ દયનીય થઈ ગઈ છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઓછું નુકસાન થયું હોવાની જાહેરાત કરી ખેડૂતોને અન્યાય કરવા પ્રયાસ કરી રહ્યા છે. જિલ્લાના નવ તાલુકામાં વરસાદને કારણે ડાંગરના પાકને વધુ નુકશાન થયું છે. ધંધુકા અને ધોલેરા વિસ્તારમાં તો વરસાદને કારણે હજુ ખેતરોમાં પાણી ભરાયેલા છે. પાણી ભરાયેલા હોવાથી રવી સીઝનની વાવણીમાં પણ વિલેબ થશે. ધોળકા વિસ્તારમાં ડાંગરનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું. એટલે વરસાદને કારણે નુકશાની વધુ હોવાનું ખેડુતો કહી રહ્યા છે.