Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં વરસાદને લીધે કપાસ અને મગફળીના પાકને નુકશાન

Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયુ છે. ભાવનગર જિલ્લામાં હાલ ખરીફ સીઝનના પાકની ખેડુકો લલણી કરી રહ્યા છે. મગફળીનો પાક તો તૈયાર થઈને ખળામાં આવી રહ્યો છે. કપાસના પાકમાં પણ વીણી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વરસાદ પડતા ખેડુતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત ઊભી થઈ છે. જિલ્લામાં વહેલી સવારે તળાજા, ઘોઘા, જેવા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ખેડૂતોના કપાસ અને મગફળીના પાક ઉપર માઠી અસર થવા પામી છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, સિહોર અને મહુવા સહિત તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ખેડૂતોને કપાસ અને મગફળીના પાક લેવાના સમયે આવેલા વરસાદથી નુકસાનની ભીતી સેવાઈ રહી છે. મગફળી, કપાસ સહિતના પાકો પાકીને તૈયાર થવાની અણી ઉપર હોય, ત્યારે આવેલા વરસાદે પાકો ભીંજવી દેતા બગડી જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. મગફળી, કપાસ ભીંજાય જવાથી ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી.

ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે તળાજા, ઘોઘા, સિહોર અને મહુવા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેથી મગફળી અને કપાસના પાકને નુકશાન થયું હોવાનું ખેડુતો કહી રહ્યા છે. જિલ્લામાં કુલ 4.50 લાખ હેકટર ખેતીલાયક જમીન છે, ત્યારે હાલમાં ખેડૂતોએ ચોમાસાના સમયમાં અંદાજે 2.30 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું ત્યારે એક લાખ કરતા વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચોમાસાના પાછોતરાના વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થયેલા કપાસ અને મગફળી ભીંજાઈ જવાથી આર્થિક ફટકો લાગવાની પૂરી શક્યતાઓ છે, તેની અસર યાર્ડમાં મળતા ભાવ પર જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લાને 600 એમ.એમ વરસાદની જરૂરીયાત હોય છે ત્યારે આ વર્ષે સીઝનનો કુલ 826.3 એમએમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, એટલે કે જરૂરીયાત કરતા વધુ વરસાદ દરેક તાલુકાઓમાં નોંધાવવાના પગલે ખેડૂતોના પાક ઉપર અસર થઈ હોય તે સ્વાભાવિક છે.