પાલનપુરઃ બનાસકાંઠામાં કમોસમી વરસાદને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન સમયાંતરે ડીસા સહિત જિલ્લાના અનેક ભાગોમાં કરા સાથે ભારે ઝાપટાભેર માવઠું પડતાં ટેટી, તરબૂચ, શાકભાજીના પાકો સહિત ઉનાળુ પાકોને નુકસાન થયું છે. આ વર્ષે વારંવાર માવઠાથી ખેડૂતોની ખૂબ જ માઠી દશા બેઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્મિંગની અસરની શરૂઆત થઈ ગઈ હોય તેમ ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને સીઝન પ્રમાણે વાતાવરણની સ્થિરતા જળવાતી નથી. હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો હોવા છતાં ગરમી પડવાની જગ્યાએ કમોસમી વરસાદના ઝાપટાં પડી રહ્યા છે.. આ વર્ષે રવિ સિઝનમાં ત્રણ ત્રણ વખત કમોસમી વરસાદ પડ્યા બાદ હજુ પણ કમોસમી વરસાદ અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે ડીસામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ બની ગયું હતું. બપોર પડતા સુધીમાં તો જિલ્લાના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા તેમજ અનેક જગ્યાએ કરા સાથે ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી આ વર્ષે ખેડૂતોની ખૂબ જ માઠી દશા બેઠી છે. હજુ રવિ સિઝનમાંથી માંડ બેઠા થયેલા ખેડૂતોએ ઉનાળુ સિઝન માટેના વાવેતર કરી દીધા હતા. ત્યાં વરસાદે નુકશાન પહોંચાડ્યુ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ડીસા પંથકમાં ટેટી અને તરબૂચનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. તેમજ અનેક ખેડૂતોએ શાકભાજીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. આ સિવાય ઉનાળુ મગફળી, બાજરીનું પણ વાવેતરને માવઠાથી ખૂબ જ મોટું નુકસાન થયું છે. જેમાં ટેટી અને તરબૂચ તેમજ શાકભાજીના પાકો મધ્યભાગ ઉપરાંત પહોંચ્યા છે. ત્યારે જ કરા સાથે વરસાદ પડતા મોટા ભાગનો પાકને નુકશાન થયું છે. આમ કુદરત રુઠ્યો હોય તેમ વારંવાર કમોસમી વરસાદના મારથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. બનાસકાંઠામાં આ વર્ષે રવિ સિઝનમાં ત્રણ વખત ભારે વરસાદ પડતા ખેતી પાકો નષ્ટ થયા હતા. સરકાર દ્વારા આ બાબતે ખેડૂતોને સહાય આપવા સર્વે કરાવવાની શરૂઆત કરી હતી. જોકે હજુ રવિ સિઝનનો સર્વે પૂરો થયો નથી, ત્યાં ઉનાળુ સિઝનનો પણ પાક ફેલ થવા પામ્યો છે. ત્યારે સરકારે ફરીથી રીસર્વે કરાવી ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવે તેવી માગ કરવામાં આવી છે.