- ગુજરાતમાં 18 ડેમોમાં માત્ર 7 ડેમો 50 ટકાથી વધુ ભરાયા છે.
- નર્મદા, ઉકાઈ, ઊંડ, અને કરજણ ડેમ છલકાવવાની તૈયારીમાં,
- મચ્છુ ડેમ માત્ર 11 ટકા ભરાયો છે
અમદાવાદઃ ગુજરાતમાં કૂલ સરેરાશ 72.52 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં 88.5 ટકા, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 54.15 ટકા, મધ્ય ગુજરાતમાં સરેરાશ 56.52 ટકા. સૌરાષ્ટ્રમાં સરેરાશ 80.45 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 86.63 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઉત્તર ગુજરાતમાં સાવ ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યના મુખ્ય 18 ડેમોની સ્થિતી અંગે જો વાત કરીએ તો 50%થી વધુ પાણી ભરાયેલા ડેમોની સંખ્યા માત્ર 7 છે. જ્યારે 11 જેટલા મોટા ડેમોમાં પાણીનો સંગ્રહ 50%થી ઓછો છે. તેમાં પણ મચ્છુ ડેમ-1 અને સીપુ ડેમ 10થી 11 ટકા જ ભરાયેલા છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 135.28 મીટરની સપાટી સાથે 88.35% ભરાયેલો છે. ઉપરવાસમાંથી પાણીનો આવરો ફરી વધીને 1.17 લાખ કયુસેક થયો છે. ડેમના 5 દરવાજા 1.45 મીટરની સપાટીથી ખોલી નદીમાં 95 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાં 23 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવેલાં પાણીના કારણે કેવડિયા ખાતે આવેલો નર્મદા ડેમ ઝડપથી ભરાયો છે, જ્યારે જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલો ઊંડ-1 ડેમ 94. 08% ભરાયેલો છે. ઊંડ-1 ડેમની કુલ સપાટી 332 ફૂટ છે, જેમાંથી આ સીઝનમાં ઉપરવાસમાંથી પાણીની આવક અને વરસાદના કારણે હાલ 320.97 ફૂટની સપાટીએ પહોંચ્યો છે. હજુ પણ 230 ક્યૂસેક પાણીની આવક ચાલું છે. આ ઉપરાંત તાપી નદી પર આવેલો ઉકાઈ ડેમ 76.74% ભરાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમમાંથી સતત પાણીની આવક નોંધાઇ રહી છે. ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની જળસપાટી હાલ 334.83 ફૂટ પર પહોંચી છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. ડેમનું રૂલ લેવલ મેટેનન કરવા હાલ 67,676 ક્યૂસેક પાણીની આવકની સામે 81,594 ક્યૂસેક પાણીની જાવક શરૂ છે.
આ ઉપરાંત નર્મદા જિલ્લાના રાજપીપળાનાં જીતનગર ગામ પાસે આવેલા કરજણ ડેમ 67.83% ભરાયેલો છે. કરજણ ડેમની ભયજનક સપાટી 116.11 મીટર છે. જેની હાલની સપાટી 108.07 મીટર છે, જે હાલ 67.83% ભરાયો છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક ન થતાં ડેમની સ્થિતિ સામાન્ય છે. તેમજ છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતો સુખી ડેમ ફૂલ થવાની તૈયારીમાં છે. હાલ મહત્તમ સપાટી 147.82 મીટરથી માત્ર 2.77 મીટર બાકી છે. હાલ સુખી ડેમની સપાટી 145.05 મીટર નોંધાઈ છે અને 64.85% ભરાયો છે.
સૌરાષ્ટ્રના મોરબી અને માળિયા માટે આશીર્વાદ સમાન મચ્છુ-2 ડેમ 44.56% જેટલો ભરેલો છે. ડેમની કુલ 188 ફૂટની ઊંચાઈ છે. જેમાંથી હાલમાં 177.49 ફૂટ પાણીની સપાટી સાથે ડેમ 44.56% જેટલો ભરેલો છે. આ ડેમ થકી મોરબી સીટી, મોરબી તાલુકા, માળિયા શહેર અને માળિયા તાલુકા વિસ્તારમાં પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે.
#GujaratWeather #RainfallUpdate #GujaratDams #NarmadaDam #UkaiDam #KarjanDam #MachhuDam #WaterLevels #Monsoon2024 #GujaratMonsoon #WaterConservation #RainfallAlert #SaurashtraRain #SouthGujaratRain #GujaratFloods #WaterManagement #DamSafety #RainfallDeficit