દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો ડાંગ, પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે
અમદાવાદઃ ગુજરાતમાં પ્રકૃતિ સૌંદરતા ધરાવતા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આહવા ખાતે પોલીસ પરેડ મેદાનમાં “આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની જાહેરાત સાથે જ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લાની આ જાહેરાતથી પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે.
રાજ્ય સરકારે રાસાયણ ખાતર છોડીને પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત કુટુંબને માટે રૂપિયા 31 કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે. પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને ઉપજમાં પડનાર સંભવિત ઘટને સરભર કરવા માટે હેકટર દીઠ રૂ. 10 હજાર વાર્ષિક આપવા માટે રાજ્ય સરકારે 20 કરોડની જોગવાઇ કરી છે.
“આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા 300 ખેડૂતોના જૂથના ત્રણ FPOની રચનાના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ વિષયના વીડિયો ગીતનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લામાં 12 હજાર ખેડૂતોએ છેલ્લા બે વર્ષથી 57 હજાર હેકટર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. દેશી ગાયનું ગૌ મુત્ર, છાણ, પાણી, ગોળ અને ચણાના લોટનું મિશ્રણ કરીને ખાતર તૈયાર કરવામાં આવે છે. જેને ખેડ સમયે જ ખેતરમાં નાખવામાં આવે છે. જેનાથી બે વર્ષમાં જમીન ફળદ્રુપ બની જાય છે. ડાંગ જિલ્લાના કુલ વિસ્તારમાં 77 ટકા વન વિસ્તાર છે. જિલ્લામાં 26 જાતના વૃક્ષ 2,205 પ્રકારના ફુલ, 410 જાતની વનસ્પતિ છે. છેલ્લા બે વર્ષથી ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.